લંડનઃ હવે ભારતીય એરફોર્સના ઇન્સ્ટ્રક્ટર બ્રિટનના રોયલ એરફોર્સના પાયલટને તાલીમ આપશે. બંને દેશ વચ્ચે થયેલા કરાર અનુસાર ઇન્ડિયન એરફોર્સના 3 ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર યુકેમાં આરએએફ વેલી ખાતે બ્રિટિશ પાયલટને ફાસ્ટ જેટ ટ્રેનિંગ આપશે. આ નિયુક્તિ બે વર્ષ માટે કરાઇ છે. આ પહેલીવાર છે જ્યારે ભારતીય ઇન્સ્ટ્રક્ટર બ્રિટિશ પાયલટને તાલીમ આપવા યુકે આવી રહ્યા છે.
કાર્નવેલમાં રોયલ એરફોર્સ કોલેજ ખાતે જાન્યુઆરીમાં પહેલીવાર ઇન્ડિયન એરફોર્સના અધિકારીની નિયુક્તિ કરાઇ હતી. હવે તમામ ત્રણ બ્રિટિશ મિલિટરી એકેડેમીમાં ભારતીય અધિકારીઓ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરી રહ્યાં છે.
આરએએફના એર વાઇસ માર્શલ ઇયાન ટાઉનસેન્ડે જણાવ્યું હતું કે, રોયલ એરફોર્સ અને ઇન્ડિયન એરફોર્સ વચ્ચેના લાંબાગાળાના સંબંધને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે. યુકેની મિલિટરી ફ્લાઇંદ ટ્રેનિંગ સિસ્ટમમાં ભારતીય ઇન્સ્ટ્રક્ટરો સામેલ થવાથી સહકાર ગાઢ બનશે.
ભારત સ્થિત બ્રિટિશ હાઇ કમિશનના ડિફેન્સ એડવાઇઝર કોમોડોર ક્રિસ સૌંડર્સે જણાવ્યું હતું કે, યુકેમાં ભારતના ઇન્સ્ટ્રક્ટરોની નિયુક્તિ બંને દેશ વચ્ચે વિસ્તરી રહેલા સંરક્ષણ સંબંધોમાં વધુ એક મહત્વની સિદ્ધી છે.


