ભારતીય બજેટને યુકેની બિઝનેસ અને ઇન્વેસ્ટર કોમ્યુનિટીએ વધાવ્યું

સીતારામને એફડીઆઇ શરતો સરળ બનાવવા, કસ્ટમ ડ્યુટી સુનિયોજિત કરવાની કરેલી જાહેરાતો આવકાર્ય, મુક્ત વેપાર કરારનો માર્ગ મોકળો થશેઃ યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, બજેટમાં વૈશ્વિક રોકાણકારો માટે ઉત્પાદન અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઘણું બધું ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને વિદેશી સીધા રોકાણનું સ્વાગત કરવામાં આવ્યું છેઃ મનોજ લાડવા

Tuesday 04th February 2025 09:57 EST
 
 

લંડનઃ 1 ફેબ્રુઆરીના રોજ ભારતીય સંસદની લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2025-26 માટેના કેન્દ્રીય બજેટને યુકેની બિઝનેસ અને ઇન્વેસ્ટર કોમ્યુનિટી દ્વારા વધાવી લેવાયું છે. સીતારામનના બજેટમાં આર્થિક વિકાસ, ખાનગી મૂડીરોકાણને વેગ અને વિશ્વાસપાત્ર આર્થિક ગવર્નન્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સીઇઓ રિચર્ડ મેકકુલમે જણાવ્યું હતું કે, ભારતીય નાણાપ્રધાને મહત્વના સેક્ટરોમાં ચાવીરૂપ ફાળવણીઓ અને નીતિવિષયક પગલાંની જાહેરાત કરી છે. તેમણે એફડીઆઇ સાથે સંકળાયેલી શરતોને સરળ બનાવવા, કૌશલ્ય અને નીતિગત સુધારા પર ધ્યાન કેન્દ્રિત પગલાં ભર્યાં છે.

મેકકુલમે જણાવ્યું હતું કે, આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, ખાનગી રોકાણને વેગ આપવાથી લાંબાગાળાના વિકાસને પ્રોત્સાહન મળે છે. અમે ટેક્સ અને નીતિ સુધારણા, શહેરી વિકાસ, ઉર્જા, સુરક્ષા અને અન્ય નિયમનકારી સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસનું સ્વાગત કરીએ છીએ. કસ્ટમ ડ્યુટી સુનિયોજિત કરાવાથી ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારને ઝડપથી અમલી બનાવવામાં લાભ થશે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતીય નાણા પ્રધાને એફડીઆઇ સાથે સંકળાયેલી શરતો સરળ બનાવવાની જાહેરાત કરી છે. અમે લાંબા સમયથી એફડીઆઇની શરતો સરળ બનાવવાની હિમાયત કરી રહ્યાં છીએ. વિદેશી કંપનીઓ તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે તો વધુ એફડીઆઇ પ્રાપ્ત કરી શકાશે. એફડીઆઇને પ્રોત્સાહન આપવા માટે આ સ્વાગતપાત્ર પગલું છે. નિયમનકારી સુધારાઓ પર ઉચ્ચ-સ્તરીય સમિતિની સ્થાપના પણ કરવામાં આવી રહી છે. ભારતમાં વિદેશી રોકાણકારો માટે આ એક સકારાત્મક સંદેશ છે.

ઇન્ડિયા ગ્લોબલ ફોરમના સીઇઓ મનોજ લાડવાએ જણાવ્યું હતું કે, બજેટમાં વૈશ્વિક રોકાણકારો માટે ઉત્પાદન અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઘણું બધું ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને વિદેશી સીધા રોકાણનું સ્વાગત કરવામાં આવ્યું છે. વીમા સેક્ટરમાં એફડીઆઇ મર્યાદા 100 ટકા કરાઇ છે જે આવકાર્ય અને વૈશ્વિક ખેલાડીઓ માટે મોટું પ્રોત્સાહન છે.

લાડવાએ જણાવ્યું હતું કે, બજેટનો ઉદ્દેશ્ય સિસ્ટમને સુવ્યવસ્થિત કરવા અને ભારતને વ્યવસાય માટે આકર્ષક સ્થળ બનાવવાનો હોય તેવું પ્રતીત થાય છે. નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ, રોજગારીનું સર્જન અને નવા રોકાણ અને ભાગીદારીની શક્યતાઓ ખોલવા માટે ક્રેડિટ ગેરંટીમાં વધારો થવાથી, એ સ્પષ્ટ છે કે ભારત વૃદ્ધિ, રોકાણ અને લાંબા ગાળાની સ્થિરતા તરફ આગળ વધી રહ્યો છે.

સાઉથ એશિયા બિઝનેસ ગ્રુપના વડા અનુજ ચંદે જણાવ્યું હતું કે, સીતારામનનું બજેટ ટેરિફ વધારાની અનિશ્ચિતતાનો સામનો કરી રહેલી દુનિયા માટે દીવાદાંડી સ્વરૂપ છે. તેનાથી ભારતની સ્થિતિ મજબૂત બનશે. યુકેના રોકાણકારોને હંમેશા ભારતમાં અમલદારશાહી અને આકરા નિયમોનો સામનો કરવો પડે છે. નિયમોને સરળ બનાવવા માટે સમિતિની રચના અને તે દિશામાં પહેલા પ્રોત્સાહક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter