લંડનઃ કેર હોમમાં એક વૃદ્ધ સાથે થયેલા દુર્વ્યવહાર અંગે અવાજ ઉઠાવનાર માઇગ્રન્ટ કેર વર્કરને જ દેશનિકાલ કરવામાં આવે તેવી સંભાવના છે. કેર વર્કર મીરા (નામ બદલ્યું છે)એ અન્ય કેર વર્કરને એક વૃદ્ધને મુક્કા મારતા જોઇ લીધો હતો અને તેની જાણ તેના બોસને કરી હતી. જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. મીરા હજુ ગયા વર્ષે જ કેર વર્કર તરીકે ભારતથી યુકે આવી હતી.
મીરાનો આરોપ છે કે હું વ્હિસલ બ્લોઅર હતી. મારી ફરિયાદ ધ્યાનમાં લેવાને સ્થાને મને જ નોકરીમાંથી હાંકી કઢાઇ હતી. જાણે હું અપરાધી હોઉં તેવી અનુભૂતિ મને કરાવવામાં આવી રહી છે. હું અપરાધી નથી પરંતુ જીવન બચાવનારી છું. મેં મારા બોસને ફરિયાદ કરી તો મેનેજરે મારા પર મારું નિવેદન બદલી નાખવા દબાણ કરી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. મેં ઇનકાર કરતાં નોકરી ચાલી ગઇ હતી.
હવે મીરાને અન્ય સ્પોન્સર ન મળે તો તેના પર દેશનિકાલનું જોખમ તોળાઇ રહ્યું છે. મીરા કહે છે કે હું મુશ્કેલીમાં છું પરંતુ મારી મદદે કોઇ આવી રહ્યું નથી. બીજીતરફ કેર હોમે આરોપ મૂક્યો હતો કે મીરા નોકરી માટે જરૂરી લાયકાત ધરાવતી નથી.