ભારતીય મિશનની સુરક્ષાની સમીક્ષા પર સુનાક જાતે ધ્યાન આપી રહ્યા છે – ડાઉનિંગ સ્ટ્રીટ

ભારત સાથેના વેપાર કરારની મંત્રણાઓ પર આવી ઘટનાઓની અસર નહીં થાય - પ્રવક્તા

Tuesday 04th April 2023 13:36 EDT
 
 

લંડન

લંડનમાં ભારતીય હાઇકમિશનની સુરક્ષાની સમીક્ષા પર વડાપ્રધાન રિશી સુનાક જાતે ધ્યાન આપી રહ્યા હોવાનું 10 ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું. ગયા સપ્તાહમાં યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, ભારતીય મિશનની સુરક્ષાની સમીક્ષાનો આદેશ અપાયો છે.

વડાપ્રધાન રિશી સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય અમારી પોલીસ અને ભારતીય સમકક્ષો સાથે આ અંગે ચર્ચા કરી રહ્યાં છે. વડાપ્રધાન સુનાક સીધેસીધા આ ચર્ચામાં સંકળાયેલા નથી પરંતુ તેઓ તેના પર સીધી નજર રાખી રહ્યા છે.

શું આ ઘટનાક્રમની સીધી અસર ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પરચાલી રહેલી મંત્રણાઓ પર પડશે કે કેમ તેવા સવાલના જવાબમાં સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ બંને મામલા વચ્ચે કોઇ સંબંધ નથી. ભારત સાથેની વેપાર મંત્રણાઓ જારી રહેશે. બંને દેશ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ઇચ્છે છે.

તેમણે જણાવ્યું હતું કે, સુરક્ષાના મામલે ભારતીય હાઇ કમિશન ખાતેની ઘટના પર અમે ચિંતા વ્યક્ત કરી છએ અને હાલ તેની સમીક્ષા ચાલી રહી છે. આ પહેલાં જેમ્સ ક્લેવર્લીએ જણાવ્યું હતું કે, અમે યુકેમાં સ્થિત તમામ વિદેશી મિશનોની સુરક્ષાને અત્યંત ગંભીરતાથી લઇએ છીએ. આ પ્રકારની ઘટનાઓને આકરો જવાબ આપીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter