ભારતીય મૂળના જીતેશ ગઢિયા અને શમી ચક્રવર્તીને લોર્ડશિપનું સન્માન

Monday 15th August 2016 12:07 EDT
 
 

લંડનઃ પૂર્વ વડાપ્રધાન કેમરનના રેઝિગ્નેશન ઓનર્સ લિસ્ટ મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીના સમર્થક જીતેશ ગઢિયા અને લેબર પાર્ટીના એડવોકેટ શમી ચક્રવર્તીને આજીવન ઉમરાવપદથી સન્માનિત કરાયાં છે. ડેવિડ કેમરનના વિવાદાસ્પદ રેઝિગ્નેશન ઓનર્સ લિસ્ટથી રાજકીય આશ્રય વિશે ગંભીર પ્રશ્રો ઉભા થયા છે. પોલિટિકલ ડોનેશન આપનારી વ્યક્તિઓના સન્માન, પૂર્વ વડાપ્રધાન માટે કામ કરનારા લોકોને ઓનર્સ આપવાની યોગ્યતા અને આ સન્માનોની જાહેરજીવન પર અસર વિશે પ્રશ્રો ઉદ્ભવ્યા છે.

પૂર્વ વડાપ્રધાન કેમરને પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નને ‘કમ્પેનિયન ઓફ ઓનર’થી નવાજ્યા હતા, જ્યારે ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોન, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ઓલિવર લેટવિન અને પૂર્વ ડાઉનિંગ સ્ટ્રીટ કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર ક્રેગ ઓલિવરને નાઈટહુડનું સન્માન આપ્યું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીના ટ્રેઝરર એન્ડ્રયુ ફ્રેઝર અને બ્રિટિશ ભારતીય બિઝનેસમેન તથા લીડર્સ ક્લબના સભ્ય જીતેશ ગઢિયા સહિત કેટલાક પાર્ટી દાતાને ‘લાઈફ પીઅરેજ’ અપાયું હતું. પૂર્વ વડાપ્રધાન તરીકે રેઝિગ્નેશન ઓનર્સ લિસ્ટ પસંદ કરવાનો તેમનો વિશેષાધિકાર હોવા છતાં યાદી વિવાદાસ્પદ રહી છે. સન્માનિત કરાયેલા મોટાભાગના ઈયુ રેફરન્ડમ દરમ્યાન રિમેન કેમ્પેઈનના ટેકેદારો હતા.

સન્માન નહિ, મોટી જવાબદારીઃ જીતેશ ગઢિયા

બ્રિટિશ ભારતીય બિઝનેસમેન, ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તથા લીડર્સ ક્લબના સભ્ય જીતેશ ગઢિયાએ કેમ્બ્રીજ યુનિવર્સિટી (એમ.એ. ઈકોનોમિક્સ) અને લંડન બિઝનેસ સ્કૂલ (સ્લોઅન ફેલો, ડિસ્ટીંક્શન સાથે એમ.એસસી. મેનેજમેન્ટ)માં શિક્ષણ મેળવ્યું છે. તેઓ મીડલસેક્સના નોર્થવુડમાં તેમના પત્ની અંજલિ અને બે બાળકો પ્રિયાના અને દેવ સાથે રહે છે. જીતેશ ગઢિયા માર્ચ ૨૦૧૬માં અંદાજે બે બિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવતા BGL ગ્રૂપના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે જોડાયા છે.

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની મુલાકાતમાં જીતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે હાઉસ ઓફ લોર્ડ્સમાં જોડાવા માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન દ્વારા નોમિનેટ થતા ખૂબ ગૌરવ અનુભવું છું. આ સન્માન નહિ, પરંતુ એક જવાબદારી છે.

આપણે બ્રેક્ઝિટ પછીની નવી વાસ્તવિકતાઓનો સામનો કરી રહ્યા છીએ ત્યારે બ્રિટિશ ઈતિહાસની નિર્ણાયક ઘડીઓના સમયે હું પાર્લામેન્ટમાં જોડાઈ રહ્યો છું. આપણે બ્રિટનના અને બાકીના વિશ્વ સાથે તેના ભાવિ સંબંધોના ક્રોસરોડ પર ઉભા છીએ.

આથી, મારી પ્રાથમિકતા ત્રિપાંખી રહેશેઃ

સૌપહેલા તો મારે ૨૦ લાખથી વધુ નોકરીઓનું પ્રતિનિધિત્વ, બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ્સ અને આવશ્યક જાહેર સેવાઓ માટે ચુકવણી કરતી નોંધપાત્ર ટેક્સ રેવન્યુનું સર્જન કરનારી નાણાકીય સેવાઓના શ્રેષ્ઠ ભાવિને મજબૂત કરવામાં મદદ કરવી;

આંતરરાષ્ટ્રીય અને વિશેષતઃ યુકે અને ભારત વચ્ચે આર્થિક સંપર્કો મજબૂત બનાવવામાં મદદ;

અને આખરે પાર્લામેન્ટ અને ચાવીરુપ નીતિ ઘડવૈયાઓને ૧.૫ મિલિયન બ્રિટિશ ભારતીયો સાથે જોડવાની પ્રાથમિકતા રહેશે.’

અંગત વાત કરું તો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી શ્રી સી. બી. પટેલ સાથેના મારા દીર્ઘકાલીન અને ગાઢ સંબંધનો સ્વીકાર કરવા ઈચ્છું છું. મારી યુનિવર્સિટીની સમર હોલિડે દરમ્યાન મે ‘ન્યુ લાઈફ’ (‘એશિયન વોઈસ’ના પુરોગામી)નું પણ પ્રકાશન કરતા ‘ગુજરાત સમાચાર’ની ઓફિસોમાં કામ કર્યું હતું. શ્રી સી. બી. પટેલના માર્ગદર્શન હેઠળ મારો આ ઘડતરરુપ અનુભવ હતો, જેનાથી હું ઘણું શીખ્યો અને બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી સાથેના મારા સંપર્ક પણ વધ્યા. આ બદલ હું તેમનો ઘણો જ ઋણી છું.’

શમી ચક્રવર્તીને અપાયેલા સન્માન વિશે શંકા

હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન મેળવનારામાં હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ અને બ્રિટિશ બંગાળી શમી ચક્રવર્તીનો સમાવેશ થાય છે. લેબર નેતા જેરેમી કોર્બીને તેમને બેરોનેસના પદ માટે નોમિનેટ કર્યા છે. યુનિવર્સિટી ઓફ એસેક્સના ચાન્સેલર અને હ્યુમન રાઈટ્સ સંસ્થા ‘લીબર્ટી’ના પૂર્વ ડિરેક્ટર ચક્રવર્તીએ જણાવ્યું હતું,‘ જેરેમી કોર્બીને આપેલા પડકાર અને સરકારને ઉત્તરદાયી ઠરાવવામાં મદદરૂપ થવાની તકને સ્વીકારતા મને ખૂબ ગૌરવ થાય છે.’

શમી ચક્રવર્તીનો જન્મ કેન્ટન સબર્બમાં બંગાળી પરિવારમાં થયો હતો. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં કાયદાશાસ્ત્રના સ્નાતક બન્યાં પછી ૧૯૯૪માં મીડલ ટેમ્પલ દ્વારા બારમાં બોલાવાયા હતા. તેમણે ૧૯૯૬માં હોમ ઓફિસ માટે બેરિસ્ટર તરીકેનું કામકાજ શરૂ કર્યું હતું. તેઓ ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ હ્યુમન રાઈટ્સ સંસ્થા ‘લીબર્ટી’ સાથે જોડાયા હતા. જોકે, લેબર નેતા કોર્બીન સાથેની મુલાકાતના રિપોર્ટમાં લેબર પાર્ટીમાં યહુદીવાદ વિરોધી આક્ષેપોને દબાવી દીધાનું બહાર આવ્યા પછી સાંસદો અને યહુદી જૂથોએ શમી ચક્રવર્તીની ભારે ટીકાઓ કરી હતી.

યુકેમાં દીર્ઘકાળથી ભારતીય સાંસદ અને કોમન્સ હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન કિથ વાઝે ચક્રવર્તીને પત્ર લખી રિપોર્ટ પ્રસિદ્ધ કરાયા અગાઉ તેમને ઉમરાવપદ ઓફર કરાયું હતું કે કેમ તેવો પ્રશ્ન કર્યો હતો.

મૂળ ભારતીય લોર્ડ્સ પ્રશંસાના અધિકારી

જોકે, ભારતીય મૂળના બ્રિટિશર લોર્ડ ડોલર પોપટની ચેમ્બરમાં સખત મહેનતને લીધે તેમના સન્માનને અખબારોએ યોગ્ય ગણાવ્યું છે. ૨૦૧૦માં સન્માનિત અને પક્ષને બે લાખ પાઉન્ડથી વધુનું ડોનેશન આપનારા લોર્ડ પોપટે ૨૦૧૦થી અત્યાર સુધીમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં ૩૪૦થી વધુ ભાષણ આપ્યા છે. સન્માન પછી લોર્ડ પોપટે પોતાનો બિઝનેસ છોડયો હતો અને હવે તેઓ બિઝનેસ એન્ડ ટ્રાન્સપોર્ટની જવાબદારી સંભાળતા ગવર્નમેન્ટ મિનિસ્ટર છે. કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના સ્થાપક ચેરમેન તાજેતરમાં યુગાન્ડા અને રવાન્ડા માટેના માનદ ટ્રેડ એન્વોય તરીકે પણ નિયુક્ત થયા છે.

ટીકાઓ ઘણી થાય છે, પરંતુ વંશીય લઘુમતી પશ્ચાદભૂ ધરાવતા ઘણા સક્ષમ ઉમરાવોને તેમના કાર્યનો યશ મળતો નથી. લોર્ડ નવનીત ધોળકિયા કોમ્યુનિટીને નોંધપાત્ર પ્રદાન તેમજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સંખ્યાબંધ ચર્ચામાં ભાગ લેવા બદલ પ્રશંસાના અધિકારી છે. આ જ રીતે, બેરોનેસ શ્રીલા ફ્લેધર, લોર્ડ ભીખુ પારેખ અને લોર્ડ રાજ લુમ્બા પણ તેમની કામગીરી બદલ સલામના અધિકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter