લંડનઃ નોબેલ વિજેતા વેંકી રામક્રિષ્ણનના નેતૃત્વ હેઠળની વિશ્વની સૌથી જૂની સાયન્ટિફિક એકેડમી રોયલ સોસાયટીએ જેનેટિક્સ, કોમ્પ્યુટર્સ અને ઈકોલોજીમાં વિશિષ્ટ કૌશલ્ય બદલ ભારતીય મૂળના ત્રણ વૈજ્ઞાનિકને ફેલો તરીકે ચૂંટ્યા હતા. તેમાં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજના ક્રિષ્ણા ચેટરજી, યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના યદવિંદર માલ્હી અને ન્યૂયોર્ક યુનિવર્સિટીના સુભાષ ખોટનો સમાવેશ થાય છે.
યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ હેઠળની મેટાબોલિક રિસર્ચ લેબોરેટરીઝના ચેટરજી થાઈરોઈડ ગ્રંથિની રચનામાં આનુવંશીય વિકાર, હોર્મોનના સંકલન અને તેના કાર્ય વિશેની શોધ માટે જાણીતા છે.
પ્રો.માલ્હી સ્કૂલ ઓફ જ્યોગ્રોફીમાં ઈકોસિસ્ટમ સાયન્સના પ્રોફેસર છે તેમજ એન્વાયર્નમેન્ટલ ચેન્જ ઈન્સ્ટિટ્યુટમાં ઈકોસિસ્ટમના પ્રોગ્રામ લીડર છે. પ્રો.માલ્હીનું સંશોધન વૈશ્વિક કાર્બન, એનર્જી અને વોટર સાયકલ્સમાં વન્ય પરિતંત્ર અને વૈશ્વિક વાતાવરણની ભૂમિકા તેમજ બન્ને વચ્ચેના પારસ્પારિક પ્રભાવ પર કેન્દ્રિત છે. વાતાવરણના વૈશ્વિક પરિવર્તનના સંદર્ભમાં કુદરતી પરિતંત્રના પર્યાવરણમાં કેવી રીતે ફેરફાર થાય તે સમજવા પર વિશેષ ધ્યાન અપાય છે.
ખોટ મેથેમેટિશિયન અને થીયોરેટિકલ કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ છે. હાલ તેઓ ન્યૂ યોર્ક યુનિવર્સિટી ખાતે કોમ્પ્યુટર સાયન્સના જુલિયસ સિલ્વર પ્રોફેસર છે. ખોટના અનપેક્ષિત અને અસલ યોગદાન ગાણિતિક જટિલતાના ક્ષેત્રના વણઉકલ્યા પ્રશ્રોના ઉકેલની દિશામાં મહત્ત્વનું જ્ઞાન પૂરું પાડે છે. તેઓ તેમની અજોડ કોમ્પ્યુટર ગેમ્સ માટે જાણીતા છે.
તાજેતરમાં લંડનસ્થિત રોયલ સોસાયટીએ વિજ્ઞાન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ ૫૦ વૈજ્ઞાનિક અને ૧૦ વિદેશી સભ્યોની ચૂંટણી જાહેર કરી હતી.