લંડન
પોતાને જાહેરમાં ગે ગણાવતા લિઓ વરાડકર બીજીવાર આયર્લેન્ડના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળશે. આયર્લેન્ડમાં સરકારમાં સામેલ 3 પાર્ટીના ગઠબંધનમાં મુખ્ય બે રાજકીય પાર્ટીઓ દ્વારા સત્તાની સમજૂતિ અંતર્ગત આ પગલું લેવાયું છે. હાલ લિઓ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન છે. 2017માં તેઓ 38 વર્ષની વયે પહેલીવાર આયર્લેન્ડના વડાપ્રધાન પદે ચૂંટાઇ આવ્યા હતા. લિઓ વરાડકર ભારતીય મૂળના છે અને પોતે ગે હોવાનો જાહેરમાં સ્વીકાર કરે છે.
વરાડકરનો જન્મ ડબ્લિનમાં ભારતીય મૂળના ડોક્ટર પિતા અને આઇરિશ મૂળની માતાના ત્યાં થયો હતો. 7 વર્ષની ઉંમરે વરાડકર તેમની માતા અને મિત્રોને કહેતા કે તે આરોગ્ય મંત્રી બનવા માગે છે. ડબ્લિનની ટ્રિનિટી કોલેજમાંથી મેડિકલની ડિગ્રી હાંસલ કર્યા પછી તેમણે જનરલ પ્રેકટિસ શરૂ કરી હતી અને 2007માં ડબ્લિન વેસ્ટની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.


