લંડનઃ બ્રિટનમાં કોઈ મહિલાને આન્ટી કહીને સંબોધવું મુશ્કેલી ઉભી કરી શકે છે. બ્રિટનનાં વર્કપ્લેસ પર આ ટિપ્પણીને ઉંમર અને જાતિ આધારિત સતામણી ગણવામાં આવી છે. વેસ્ટ લંડન એનએચએસ ટ્રસ્ટને ભારતીય મૂળનાં હેલ્થકેર આસિસ્ટન્ટ 64 વર્ષીય ઇલ્ડા એસ્ટેવેસની લાગણીઓ દુભાવવા બદલ 1,425 પાઉન્ડનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલનાં જજ એલીટે આ ચુકાદો આપ્યો છે. કેસની વિગતો અનુસાર ઘાના મૂળનાં નર્સ અને સહકર્મી ચાર્લ્સ ઓપ્પોંગે નોકરી દરમિયાન ઈલ્ડાને વારંવાર આન્ટી કહીને બોલાવ્યા હતાં.
ઈલ્ડાએ તેમને અનેક વખત આન્ટી કહેવાની ના પાડી તેમ છતાં ઓપ્પોંગ માન્યા ન હતાં. જૂન, 2023માં ઓપ્પોંગે જણાવ્યું હતું કે ઇલ્ડા 61 વર્ષીય જર્યોર્જ નામના વૃદ્ધ સ્ટાફ સભ્ય માટે સારા પાર્ટનર બની શકે છે.
ટ્રિબ્યુનલમાં ઓપ્પોંગે આરોપોનો ઈનકાર કર્યો હતો પણ સ્વીકાર્યુ હતું કે તેમણે ઈલ્ડાને એક વખત આન્ટી કહીને બોલાવ્યા હતાં. જજ એલીટે સ્વીકાર્યુ હતું કે ઘાનાની સંસ્કૃતિમાં 'આન્ટી' વૃદ્ધો માટે સન્માનજનક શબ્દ છે.

