ભારતીય મૂળના સાઇકલ સવારને ટક્કર મારનાર ખાલિદ પર હત્યાનો આરોપ

Tuesday 27th February 2024 11:12 EST
 

લંડનઃ વેલેન્ટાઇન ડેના દિવસે નોકરી પરથી સાઇકલ પર પરત ફરી રહેલા ભારતીય રેસ્ટોરન્ટના મેનેજરને વાહનથી ટક્કર મારી મોતને ઘાટ ઉતારનાર 24 વર્ષીય યુવાન પર હત્યાનો આરોપ મૂકાયો છે. ભારતના કોઇમ્બતુરના મૂળ વતની એવા 36 વર્ષીય વિજ્ઞેશ પટ્ટાભિરામનના મોતના સંદર્ભમાં ધરપકડ કરાયેલા અન્ય 7 વ્યક્તિઓને જામીન પર મુક્ત કરાયા હતા. થેમ્સ વેલી પોલીસ મેજર ક્રાઇમ યુનિટે શાઝેબ ખાલિદ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. 14 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞેશ રાતના 11.50 કલાકે નોકરી પરથી સાઇકલ પર પરત ફરી રહ્યો હતો ત્યારે રિડિંગના રહેણાંક વિસ્તારમાં એડિંગ્ટન રોડ પર એક વાહને ટક્કર મારતાં તેનું મોત થયું હતું. વિજ્ઞેશને સારવાર માટે રોયલ બર્કશાયર હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. વાહનચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. પોલીસે હત્યાની શંકાથી ખાલિદની ધરપકડ  કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter