લંડન
બ્રિટનના નવા ચાન્સેલર જેરેમી હન્ટે આર્થિક નીતિઓના ઘડતર માટે ચાર સભ્યોની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલની રચના કરી છે. જેમાં ભારતીય મૂળના ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ સુશિલ વાધવાણીનો સમાવેશ કરાયો છે. સુશિલ વાધવાણી પીજીઆઇએમ વાધવાણી આસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે છેલ્લા 30 વર્ષથી નેતૃત્વ કરી રહ્યાં છે. તેઓ બેન્ક ઓફ ઇંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીના સભ્ય પણ રહી ચૂક્યાં છે. વાધવાણીની સાથે આ કાઉન્સિલમાં ગર્ટજન લીઘે, રૂપર્ટ હેરિસન, કેરન વોર્ડનો પણ સમાવેશ કરાયો છે. કાઉન્સિલની જાહેરાત કરતાં હન્ટે જણાવ્યું હતું કે, કાઉન્સિલ સરકારના મંત્રીઓને સલાહો આપશે જે અમારા માટે અમૂલ્ય બની રહેશે.
સુશિલ વાધવાણી બેન્ક ઓફ ઇંગ્લેન્ડની મોનિટરી પોલિસી કમિટીના પ્રારંભિક વર્ષોમાં 1999થી 2002 દરમિયાન સભ્ય રહી ચૂક્યાં છે. પોતાની ઇન્વેસ્ટમેન્ટ કંપનીની સ્થાપના માટે તેમણે કમિટીમાંથી રાજીનામુ આપ્યું હતું. વાધવાણી હંમેશાથી નીચા વ્યાજદરના હિમાયતી રહ્યાં છે જેથી અર્થતંત્રને વેગ આપી શકાય.
બ્રિટનમાં હેજફંડ ઇન્ડસ્ટ્રીની પાયાની કંપનીઓ પૈકીની ટ્યુડોર ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં પણ તેઓ સેવાઓ આપી ચૂક્યાં છે. તેઓ અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાશમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે.
સુશિલ વાધવાણીએ ટ્રસ સરકારના મિની બજેટની જાહેરમાં ટીકા કરી હતી અને પબ્લિક ફાઇનાન્સ પર તોળાતા જોખમો અંગે ચેતવણી આપી હતી.


