લંડનઃ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને પ્રધાન મડળમાં ફેરફાર કર્યા પછી પ્રધાન તરીકે નિમાયેલા ભારતીય મૂળના સુએલા બ્રેવરમાનને વિધિવત્ રીતે લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસ ખાતે યુકેના નવા એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. પબ્લીક લો અને ન્યાયિક સમીક્ષામાં નિષ્ણાત ૩૯ વર્ષનાં કેબિનેટ મિનિસ્ટર સુએલા બ્રેવરમાન બેરિસ્ટર અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના કાયદાના સ્નાતક છે. તેમણે કહ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ સંપાદન કરવાની તેમની પ્રાથમિકતા રહેશે.
બ્રેવરમાને શપથવિધિ પછી કહ્યું હતું કે, ‘એટર્ની તરીકેના શપથ લેવાની ક્ષણ મારાં માટે ખાસ છે. આ ઐતિહાસિક ભૂમિકા નિભાવવાં માટે પસંદ કરાયેલી બીજી મહિલા તરીકે હું હંમેશાં આ ક્ષણને યાદ રાખીશ. ક્રિમિનલ સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધે એ જ મારી પ્રાથમિકતા રહેશે.’ અગાઉના એટર્ની જનરલ જ્યોફ્રી ફોક્સનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે ‘આ ક્ષેત્રમાં કામ કરવા અને સરકારને આપેલી સેવા બદલ મારા પુરોગામીનો આભાર માનું છું.’
બ્રેવરમાનની ભૂમિકા કાયદા વિભાગના અધિકારીઓની કામગીરી પર નજર રાખવાની રહેશે જેમાં સ્વતંત્ર રીતે કેસ ચલાવવાની પણ સત્તા છે. લોર્ડ ચાન્સેલર અને જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડે કહ્યું હતું કે ‘આપણી લોકશાહીના સીમાચિહ્ન એવા કાયદાના શાસન અને એક સભ્ય તેમજ સુખાકારી દેશ તરીકે આપણી સફળતાના મુખ્ય પરિબળ તરીકે હું એટર્ની સાથે કામ કરવા આતુર છું.’
લગ્ન અગાઉ, સુએલા ફર્નાન્ડીઝ નામ ધરાવતાં સુએલા બ્રેવરમાનનો જન્મ કેન્યા અને મોરેશિયસથી આવેલા અને મૂળ ગોવાના પરિવારમાં લંડનમાં થયો હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અને ક્વિન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. બ્રિટનની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા એટર્નીપદે નિમાયેલાં તેઓ પ્રથમ મહિલા છે.