લંડન
પોર્ટ્સમાઉથ યુનિવર્સિટીને ભારતીય લેક્ચરરને વંશીય ભેદભાવ કરીને પુનઃનિયુક્તિ નહીં આપવા માટે દોષિત ઠેરવવામાં આવી છે. યુનિવર્સિટીએ સિનિયોરિટી હોવા છતાં ભારતીય લેક્ચરરને નિયુક્તિ ન આપીને તેમના સ્થાને કોઇપણ પ્રકારનો અનુભવ નહીં ધરાવતા શ્વેત ઉમેદવારને નિયુક્તિ આપી હતી.
ડો. કાજલ શર્મા સાથેનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ યુનિવર્સિટીએ તેમને ફરી નિયુક્તિ આપી નહોતી પરંતુ તેમની સાથે કામ કરનારા અન્ય 12 શ્વેત લેક્ચરરમાંથી 11ને પુનઃનિયુક્ત કરી દીધાં હતાં.
એક મહત્વના ચુકાદામાં ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, ડો. કાજલ શર્મા વંશીય ભેદભાવનો ભોગ બન્યાં છે. સમગ્ર સિલેક્શન પ્રક્રિયા રંગભેદથી ખરડાયેલી છે. ડો.કાજલ શર્માને નોકરી પર પુનઃનિયુક્તિ નહીં આપવાના કારણે પસંદગી પ્રક્રિયા પર સવાલો સર્જાયા છે. યુનિવર્સિટીએ એક સીનિયર કર્મચારીની અવગણના કરી છે.
ડો. કાજલ શર્માએ યુનિવર્સિટીમાં 2016માં ઓર્ગેનાઇઝેશનલ સ્ટડીઝ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના વડા તરીકે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર કામગીરી શરૂ કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન પણ યુનિવર્સિટીના મેનેજર ગે રીસ દ્વારા વારંવાર ગેરવર્તન કરાતું હતું.

