લંડનઃ ભારતના કર્ણાટકના 77 વર્ષીય લેખિકા બાનુ મુશ્તાકના પુસ્તક હાર્ટ લેમ્પને વર્ષ 2025ના ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝથી સન્માનિત કરાયું છે. બાનુ મુશ્તાકને આ માટે 50,000 યૂરોનું પ્રાઇઝ મની પણ મળ્યું છે. બાનુ મુશ્તાકે આ સાથે ઇતિહાસ રચ્યો છે. પહેલીવાર કન્નડ ભાષામાં લખાયેલા પુસ્તકને આ સન્માન પ્રાપ્ત થયું છે.
હાર્ટ લેમ્પ એડવોકેટ અને એક્ટિવિસ્ટ બાનુ મુશ્તાકે 1990થી 2023 વચ્ચે લખેલી 12 ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. જેમાં મુસ્લિમ મહિલાઓના રોજિંદા જીવનની વાતો વણી લેવામાં આવી છે. પુસ્તકમાં પુરુષવાદી વિચારો, ધાર્મિક નિયંત્રણો અને લિંગભેદની વાત કરવામાં આવી છે. બાનુ મુશ્તાકે તેમની વાર્તાઓ દ્વારા દેશની મહત્તમ મહિલાઓ દ્વારા અનુભવાતી ગુંગળામણનું વર્ણન કર્યું છે.
બાનુ મુશ્તાક કહે છે કે વકીલાત દરમિયાન તેમને વાર્તાઓ લખવાની પ્રેરણા મળી હતી. તેમની પાસે ઘણી મહિલાઓ ઘરની સમસ્યાઓ અને કેસ લઇને આવતી હતી. તેમનો જન્મ 1948માં કર્ણાટકના હાસન ખાતે થયો હતો.