લંડનઃ ભારતમાં વકીલ તરીકેની લાયકાત ધરાવતા 44 વર્ષીય મેથ્યુ મોઘન રાજામોહન ચેલ્લમ પર સોલિસિટર્સ વોચડોગ સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટીએ યુકેમાં પ્રેકટિસ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. આઠ વર્ષ પહેલાં મેથ્યુને યુરોપમાં સેટલ થઇ શકે તે માટે માઇગ્રન્ટ્સના બનાવટી લગ્નો કરાવવા માટે દોષી ઠેરવાયો હતો. વોચડોગે જણાવ્યું હતું કે મેથ્યુ સારી રીતે જાણતો હતો કે કાયદાના વ્યવસાયની પ્રતિષ્ઠાને તેના દ્વારા થઇ રહેલા ઉલ્લંઘનોથી નુકસાન થઇ રહ્યું છે.
હાલમાં મેથ્યુ ભારત ગયો હોવાનું જાણવા મળ્યું છે અને તે ભારતમાં ક્યાં છે તેની જાણ નથી. ટ્રિબ્યુનલે સોલિસિટર્સની યાદીમાંથી મેથ્યુને હટાવી દેવાનો આદેશ આપ્યો હતો. તે ઉપરાંત ખર્ચ પેટે 4,058 પાઉન્ડ ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.

