લંડનઃ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૧૧ જાન્યુઆરીએ લંડનમાં ઈન્ડિયા-યુકે જોઈન્ટ ઈકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (JETCO)નું સહાધ્યક્ષસ્થાન શોભાવશે. સુરેશ પ્રભુ યુકેમાં સંખ્યાબંધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં ૧૩ જાન્યુઆરીએ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ (FICCI) દ્વારા આયોજિત રિસેપ્શનનો સમાવેશ થાય છે. તેઓ બ્રેક્ઝિટના પરિણામે ભારત માટે એક્સપોર્ટ સહિતના ક્ષેત્રો માટે સર્જાનારી તકની ચર્ચા કરશે તેમ મનાય છે. કેટલાક સૂત્રો અનુસાર એપ્રિલ મહિનામાં યુકેમાં આયોજિત કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ (CHOGM)માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતના સંદર્ભે તૈયારીના ભાગરુપે આ પ્રવાસ હોવાનું કહેવાય છે.
વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના સભ્ય સુરેશ પ્રભુ ૧૯૯૬થી મહારાષ્ટ્રની રાજાપુર લોકસભા બેઠક પરથી સંસદમાં શિવસેનાના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા આવ્યા છે. તેઓ ૯ નવેમ્બર ૨૦૧૪થી શિવસેના પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા અને હાલ સંસદના રાજ્યસભા ગૃહમાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મોડેલ યુનાઈટેડ નેશન્સના ઓનરરી બોર્ડ ઓફ એડવાઈઝર્સમાં સભ્ય પણ છે. પ્રભુએ કેટલાક સરકારી અને અર્ધસરકારી હોદ્દાઓ સંભાળ્યા છે, જેમાં મહારાષ્ટ્ર સ્ટેટ ફાઈનાન્સ કમિશનના અધ્યક્ષ, સારસ્વત કો-ઓપરેટિવ બેન્ક, મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટના સભ્ય સહિતનો સમાવેશ થાય છે. તેમણે અનેક એવોર્ડ્સ પણ હાંસલ કર્યા છે.
યુકેમાં હાલ FICCI નું વડપણ ડો. પરમ શાહ સંભાળે છે. તેઓ પૂર્વ ડિરેક્ટર પ્રતિક દત્તાણીએ સ્થાન છોડ્યા પછી ગયા વર્ષે FICCI ના નવા યુકે ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. ભારતમાં ફિક્કી- ગુજરાત સ્ટેટ કાઉન્સિલના પૂર્વ વડા ડો. શાહ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)ની સેન્ટ્રલ રીજીઓનલ કમિટીના સભ્ય પણ હતા. AICTE ભારતીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ ટેકનિકલ એજ્યુકેશનની રાષ્ટ્રીય સ્તરની સમિતિ છે. ડો. શાહ ૧૫થી વધુ વર્ષનો પ્રોફેશનલ અનુભવ ધરાવે છે. તેઓ ફાઈનાન્સ અને કોર્પોરેટ લોના ફેકલ્ટી તરીકે ભારતની વિવિધ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ICFAI યુનિવર્સિટીના એકેડેમિક એડવાઈઝર છે. તેઓ યુએસ વિદેશ મંત્રાલયના પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ વિઝિટર લીડરશિપ પ્રોગ્રામ (ILVP)ના પૂર્વ વિદ્યાર્થી છે. મેનેજમેન્ટ વિષયમાં ડોક્ટરેટ ધરાવતા ડો. શાહે મેનેજમેન્ટ અને અન્ય ઈકોનોમિક મુદ્દાઓના વિવિધ પાસાઓ વિશે ૪૦ જેટલા પેપર્સ રજૂ કર્યા છે. તેઓ ઈન્ટરનેશનલ માર્કેટિંગ અને કોર્પોરેટ કાયદાઓમાં સ્પેશિલાઈઝેશન સાથે MBA અને કોમર્સમાં માસ્ટર્સ ડીગ્રી ધરાવે છે. તેમણે કોમર્સ અને લો સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું. આ ઉપરાંત, તેઓ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પણ ધરાવે છે. (૩૫૬)