ભારતીય વારસાને પ્રિતી પટેલ અને રિશિ સુનાકની આદરાંજલિ

Wednesday 16th February 2022 05:38 EST
 
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને ચાન્સેલર રિશિ સુનાકે બ્રિટિશ મ્યુઝિયમ ખાતે આયોજિત બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ઈવેન્ટમાં તેમના સમૃદ્ધ ભારતીય વારસાને સન્માન અર્પ્યું હતુ અને એંગ્લો-એશિયન સંબંધોનો ધ્વજ લહેરાવ્યો હતો. પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલે તેમનું સ્વાગત કર્યું હતું તેમજ પ્રિન્સે ૩૫૦ મહેમાનોને સંબોધન પણ કર્યું હતું.

પ્રિન્સ ઓફ વેલ્સ, ચાર્લ્સ દ્વારા ૨૦૦૭માં સ્થાપિત બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ઉપક્રમે ૯ ફેબ્રુઆરી, બુધવારની રાત્રે બ્રિટિશ મ્યુઝિયમમાં ઈવેન્ટ યોજાયો હતો જેમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, ચાન્સેલર સુનાક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ, હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. મિસ પટેલ, મિ. સુનાક અને મિ. જાવિદ એશિયન મૂળના છે. પ્રીતિ પટેલ આ કાર્યક્રમમાં જાંબુડી અને ગોલ્ડન કલરના પરંપરાગત ભારતીય ચણિયાચોળી, દુપટ્ટા શાલ પહેરીને ઉપસ્થિત રહ્યાં હતાં. બિલિયોનેર ભારતીય ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિએ વ્હાઈટ વસ્ત્રો ધારણ કર્યાં હતાં.

પ્રિન્સ ચાર્લ્સે બ્રિટિશ-એશિયન બિઝનેસ અગ્રણીઓની સાથે મળી બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, જીવનનિર્વાહ, માનસિક આરોગ્ય અને એન્ટિ ડ્રગ્સ ટ્રાફિકિંગ પ્રોગ્રામ્સને સપોર્ટ કરાય છે. આ સાથે સાઉથ એશિયામાં ૪.૮ મિલિયનથી વધુ લોકોનું જીવન સુધારવાનું કામ કર્યું છે.

માત્ર જયપુરમાં જ હજારો લોકો બંગડી અને એમ્બ્રોડરી જેવો સામાન બનાવતા જોખમી વર્કશોપ્સમાં દિવસના ૧૫ કલાક કામ કરતા હોવાનું મનાય છે. ચાઈલ્ડ લેબર ફ્રી જયપુર ઈનિશિયેટિવ’ હેઠળ ટ્રસ્ટ સપ્લાય ચેઈન્સમાંથી બાળમજૂરોને દૂર કરવા અને બજારોમાં બાળમજૂરીથી મુક્ત ઉત્પાદનોને ઉત્તેજન આપવા બિઝનેસીસ, સરકાર અને કોમ્યુનિટીઓ સાથે મળી કાર્યરત છે. ભારતમાં ૫.૮ મિલિયન બાળકો વેઠિયા તરીકે કામ કરતાં હોવાનું કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter