લંડનઃ ભારત-યુકેના સંબંધોના ૭૦ વર્ષ તેમજ સાંસ્કૃતિક વર્ષની ઉજવણી માટે સાયન્સ મ્યુઝિયમ દ્વારા બુધવારને ૪થી ઓક્ટોબરથી ‘ઈલ્યુમિનેટિંગ ઈન્ડિયા’ અંતર્ગત ‘ વિજ્ઞાન અને નવી શોધોના ૫,૦૦૦ વર્ષ’ તથા ‘૧૮૫૭થી ૨૦૧૭ સુધીની ફોટોગ્રાફી’ એમ બે એક્ઝિબિશન્સનું આયોજન કરાયું છે. આ બે એક્ઝિબિશનમાં ભારતે છેલ્લા ૫,૦૦૦ વર્ષમાં વૈશ્વિક વિજ્ઞાન અને સંસ્કૃતિને આપેલા નોંધપાત્ર યોગદાનને રજૂ કરાશે. આ વર્ષ દરમિયાન બન્ને દેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, એક્ઝિબિશન્સ અને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.
સર્વે ઓફ ઈન્ડિયા તેનો ૨૫૦મો સ્થાપના દિન ઉજવી રહ્યો છે ત્યારે સાયન્સ મ્યુઝિયમ આ પ્રદર્શનમાં પ્રખર ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનથી લઈને ઈસરોના મૌમિતા દત્તા અને જગદીશચંદ્ર બોઝ સહિતના વિજ્ઞાનીઓએ કરેલી શોધો તેમજ ભારતીય વિજ્ઞાનીઓ અને ટેક્નોલોજિસ્ટ્સની પ્રેરક ગાથા રજૂ કરશે.
ભારતમાં ફોટોગ્રાફીની બદલાયેલી ભૂમિકાનો ચિતાર રજૂ થશે. ભારતમાં ૧૮૫૭થી ફોટોગ્રાફી શરૂ થઈ ત્યારથી અને ખાસ કરીને ૧૮૫૭ અને ૧૯૪૭ની ઘટનાઓને વધુ ઉજાગર કરવામાં આવશે. ભારતીય ફોટોગ્રાફીના પ્રણેતા મહારાજા રામસિંહ દ્વિતિય અને સેમ્યુઅલ બોર્ન તેમજ દેશના પ્રથમ મહિલા ફોટોજર્નાલિસ્ટ હોમી વ્યારાવાલા તેમજ સમકાલીન ફોટોગ્રાફર હેનરી કાર્ટર-બ્રેસનની તસવીરો રજૂ કરાશે.