લંડનઃ બર્મિંગહામમાં એક ઇન્ડિયન સ્ટુડન્ટે કારની બારી સાફ કરીને કાર માલિક પાસે 20 પાઉન્ડ માગતા વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઇરલ બન્યો છે. વીડિયો અનુસાર આ ભારતીય વિદ્યાર્થિની પાર્ક કરેલી એક કાર પાસે પહોંચી હતી અને કારની બારીનો કાચ સાફ કરીને કાર માલિક પાસે 20 પાઉન્ડની માગ કરી હતી. કાર માલિકને આશ્ચર્ય થતાં તેણે વીડિયો ઉતારી લીધો હતો. ફૂટેજમાં કાર માલિક એમ પૂછતાં જણાય છે કે શા માટે હું 20 પાઉન્ડ આપું. વિદ્યાર્થિની તેને કહે છે કે મેં તારો કાચ સાફ કર્યો છે. કોસ્ટ ઓફ લિવિંગ માટે હું આ નાણા માગી રહી છું. કાર માલિકે નાણા આપવાનો ઇનકાર કરતાં તે કારની સામે આવી ગઇ હતી અને ધમકી આપી હતી કે જો તારે જવું હોય તો મારા પર કાર ચડાવીને જા.

