ભારતીય વિદ્યાર્થીએ ખાલિસ્તાનીઓના હાથે તિરંગાનું અપમાન થતું અટકાવ્યું

મેં ભારતના ગૌરવની રક્ષા કરી, કેટલાક ભારતીયો સારા દેખાવા ભારત વિરોધી વર્તન કરે છેઃ સત્યમ સુરાના

Tuesday 10th October 2023 13:24 EDT
 
 

લંડનઃ ખાલિસ્તાન સમર્થકો દ્વારા થતા તિરંગાના અપમાનને એલએસઇમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીએ અટકાવ્યું હતું. મૂળ પૂણેના એવા સત્યમ સુરાનાએ ખાલિસ્તાનીઓ જમીન પર નાખી દેવાયેલા તિરંગાને સત્યમે ઉઠાવી લીધો હતો. લંડનમાં ભારતીય હાઇ કમિશન સામે ખાલિસ્તાન સમર્થકોના દેખાવો દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી અને દલ ખાલસા યુકેના નેતા ગુરચરણસિંહે તિરંગાને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો અને તેના પર ગૌમૂત્ર પણ નાખ્યું હતું. તે સમયે સત્યમ સુરાના ગુરચરણસિંહની પાછળ પહોંચી ગયો હતો અને તેણે તિરંગાને ઉઠાવી લીધો હતો. તિરંગાને વાળીને કપાળ પર લગાવી તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.

સત્યમે જણાવ્યું હતું કે, કેટલાક લોકો પોતાને સારા કહેવડાવવા માટે વિદેશમાં ભારત વિરોધી વર્તન કરે છે. ભારતીયો પર હુમલા ચિંતાનો વિષય છે. ભારત સુપર પાવર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે ભારતને આગળ વધતો રોકવા આ પ્રકારના દેખાવો કરાય છે. મેં મારા દેશના ગૌરવને બચાવ્યું છે. પરંતુ મેં એવા ઘણા ભારતીયો જોયાં છે જેઓ સારા દેખાવા માટે બહાર નીકળે ત્યારે ભારત વિરોધી બની જાય છે. તેઓ કોઇપણ પ્રકારના જ્ઞાન વિના ભારત વિશે ખરાબ વાતો કરે છે જેથી તેઓ ભારત વિરોધીઓમાં સારા દેખાઇ શકે. ભારતીયોએ આ પ્રકારના તત્વો પર નજર રાખવી જોઇએ. તેમને વિદ્વતાપૂર્ણ દલીલો દ્વારા જવાબ આપવો જોઇએ.

ખાલિસ્તાનીઓ દ્વારા તિરંગાનું વારંવાર અપમાન, વોન્ટેડ પમ્માએ આગેવાની લીધી

2 ઓક્ટોબર 2023ના સોમવારના રોજ લંડનમાં ભારતીય હાઇ કમિશનની સામે આયોજિત ખાલિસ્તાની ધરણાનું નેતૃત્વ બર્મિંગહામ સ્થિત શીખ અલગતાવાદી પરમજિતસિંહ પમ્માએ કર્યું હતું. પમ્મા હાથમાં લાઉડ સ્પીકર સાથે ભારત વિરોધી નારાબાજીનું નેતૃત્વ કરી રહ્યો હતો. પમ્માને ભારત સરકારની તપાસ એજન્સી એનઆઇએ દ્વારા વોન્ટેડ જાહેર કરાયો છે. આ દેખાવોમાં જોડાયેલા ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીય તિરંગાનું વારંવાર અપમાન કરાયું હતું અને વડાપ્રધાન મોદી તથા વડાપ્રધાન સુનાક વિરુદ્ધ નારાબાજી કરાઇ હતી.

તિરંગાના અપમાન મુદ્દે ભારતની યુકે સમક્ષ ઉગ્ર રજૂઆત

બીજી ઓક્ટોબરના રોજ લંડનમાં ભારતીય હાઇ કમિશનની સામે ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલા ભારતના રાષ્ટ્રધ્વજના અપમાનની ગંભીર નોંધ લેતાં ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટના પાછળ રહેલા તત્વોની ધરપકડ કરવા યુકે સરકાર પર દબાણ વધારી દીધું છે. ભારતીય હાઇ કમિશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકારે યુકે સરકારને જણાવ્યું છે કે તેણે ખાલિસ્તાની કટ્ટરવાદીઓની ધરપકડ કરવી જ જોઇ.

ગ્લાસગો ગુરુદ્વારા મામલામાં સ્કોટિશ પોલીસે તપાસ બંધ કરી દીધી

ગ્લાસગોના ગુરુદ્વારામાં ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીને પ્રવેશતા અટકાવવાના મામલામાં સ્કોટિશ પોલીસે તપાસ બંધ કરી દીધી છે. લંડન સ્થિત ભારતીય હાઇ કમિશને ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવીને 3 ખાલિસ્તાન સમર્થકો સામે પગલાં લેવાની માગ કરી હતી. સ્કોટલેન્ડ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 29 સપ્ટેમ્બરના રોજ ગ્લાસગોના આલ્બર્ટ ડ્રાઇવ એરિયામાં આ ઘટના બની હોવાનો રિપોર્ટ મળ્યો હતો. અમારી વ્યાપક તપાસમાં અમને આ ઘટનામાં કોઇ અપરાધ જણાયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter