ભારતીય વિદ્યાર્થીઓને નોકરીમાં તકો વધારવા ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એમ્પ્લોયેબિલિટી કાઉન્સિલનો પ્રારંભ

ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (INSA) યુકે દ્વારા એઆઇ પાવર્ડ કેરિયર પ્લેટફોર્મ ક્રિઉ સાથે ભાગીદારી

Tuesday 25th November 2025 08:39 EST
 

લંડનઃ યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નોકરીની તકોમાં સુધારો કરવા ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (INSA) યુકે દ્વારા એઆઇ પાવર્ડ કેરિયર પ્લેટફોર્મ ક્રિઉ સાથે ભાગીદારીમાં ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એમ્પ્લોયેબિલિટી કાઉન્સિલનો પ્રારંભ કરાયો છે. બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદ કરવા પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરની સંસ્થાનો પ્રારંભ કરાયો છે.

લંડનમાં પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ ખાતે ગયા સપ્તાહમાં આયોજિત ઇન્ડિયા-યુકે સ્ટુડન્ટ લીડરશિપ સમિટમાં આ સંસ્થાની રચના અંગે જાહેરાત કરાઇ હતી. યુકેમાં હાલ અંદાજિત 1,66,000 ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

ક્રિઉના સ્થાપક અને સીઇઓ આયેશા ગોયલે જણાવ્યું હતું કે, છેલ્લા 18 મહિનામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના મામલે 36 વાર વિચારગોષ્ઠિનું આયોજન થઇ ચૂક્યું છે પરંતુ હજુ આ દિશામાં કોઇ મહત્વની સફળતા હાંસલ થઇ શકી નથી. ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એમ્પ્લોયેબિલિટી કાઉન્સિલ એ કોઇ પેનલ નથી પરંતુ આજથી શરૂ થઇ રહેલી પ્રતિબદ્ધતા છે.

ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એમ્પ્લોયેબિલિટી કાઉન્સિલ દ્વારા યુકેની અગ્રણી યુનિવર્સિટીઓમાં નેશનલ કેરિયર રોડ શોનું આયોજન કરાશે. સરકાર દ્વારા નક્કી કરાતી નીતિઓમાં ભારતીય વિદ્યાર્થીઓને પ્રતિનિધિત્વ મળે તે પણ સુનિશ્ચિત કરાશે. ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ અમિત તિવારીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની પહેલની તાકિદે જરૂર હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter