લંડન
બ્રિટનની યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓને તેમના પરિવાર સાથે બ્રિટનમાં આવવાની પરવાનગીની ઓફરો સાથે લલચાવવા એજન્ટોને કમિશન ચૂકવી રહી હોવાનો આરોપ મૂકાયો છે. ટેલિગ્રાફમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ અનુસાર ગ્રેજ્યુએટ વિઝાનું માર્કેટિંગ કરનારા અને સંભવિત ભારતીય વિદ્યાર્થીઓને તેમના જીવનસાથી અને સંતાનો માટે વિઝા મેળવવામાં મદદ કરતા એજન્ટોને કમિશન ચૂકવવામાં આવી રહ્યું છે. કેટલાક એજન્ટો દ્વારા બ્રિટનમાં ઓછામાં ઓછા બે વર્ષના વસવાટ અને જીવનસાથી માટે ફૂલટાઇમ જોબની ઓફર આપવામાં આવી રહી છે. એજન્ટો સંભવિત વિદ્યાર્થીઓને યુકે સરકાર દ્વારા નિયંત્રણો લદાય તે પહેલાં ઉતાવળ કરવા જણાવવામાં આવી રહ્યું છે.
બ્રિટિશ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં જ યુકે ક્વોલિટી એજન્ટ ફ્રેમવર્કનો પ્રારંભ કરાયો છે. જે વિદ્યાર્થીઓને પસંદગીના વધુ વિકલ્પ આપવા, તાલીમ આપવા અને કોડ ઓફ કન્ડક્ટને પ્રમોટ કરવા સારા એજન્ટોને આ કામમાં જોતરી રહ્યો છે. બ્રિટિશ કાઉન્સિલ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ મોબિલિટીના ગ્લોબલ હેડ જેકી જેન્કિન્સના જણાવ્યા અનુસાર આ પ્રોગ્રામ એજન્ટો, કાઉન્સેલરો અને એજ્યુકેશન એડવાઇઝરોને વન સ્ટોપ શોપ ઉપલબ્ધ કરાવે છે જેથી તેઓ સ્ટડી ડેસ્ટિનેશન તરીકે યુકેને સારી રીતે સમજી શકે.
ગ્રેજ્યુએટ વિઝા ધરાવતો આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ અભ્યાસ પૂરો થયા પછી બ્રિટનમાં બે વર્ષ સુધી વસવાટ કરીને કામ કરી શકે છે.


