લંડન
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ખાતે ઇન્ટરનેશનલ લોના અનુસ્નાતક અભ્યાસક્રમના એક ભારતીય વિદ્યાર્થીને સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવતા વિવાદસર્જાયો છે. ભારતના ગુડગાંવના વતની 22 વર્ષીય કરણ કટારિયાએ આરોપ મૂક્યો છે કે કેમ્પસમાં હિન્દુ અને ભારતીય હોવાના કારણે તેની સાથે વંશીય ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરીની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર કરણે આરોપ મૂક્યો છે કે તેની સામે હિન્દુ રાષ્ટ્રવાદી હોવાનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મને યુરોપ વિરોધી, રેસિસ્ટ અને ઇસ્લામ વિરોધી ચિતરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો નથી ઇચ્છતા કે કોઇ હિન્દુ અને ભારતીય લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સ્ટુડન્ટ યુનિયનનું નેતૃત્વ કરે.
29 માર્ચે ચૂંટણી યોજાયા બાદ રિટર્નિંગ ઓફિસર દ્વારા કરણને નોટિસ પાઠવવામાં આવી હતી કે મને એવી ફરિયાદો મળી છે કે તમે કટ્ટરવાદી સંગઠનના સભ્ય છો. તમે ચૂંટણીના ટુ મીટર રૂલનું પણ ઉલ્લંઘન કર્યું છે. તેથી તમને ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે. કરણ કહે છે કે આ ચૂંટણીમાં ઝંપલાવનારો હું એકમાત્ર એશિયન વિદ્યાર્થી હતો.


