લંડનઃ ભારતીય મૂળની ૪૦ વર્ષીય મહિલા શ્રેયા ઉકીલે બે વર્ષની લાંબી લડાઈ બાદ આખરે વિપ્રો મેનેજમેન્ટ સામે જાતિઆધારિત ભેદભાવનો કેસ જીતી લીધો હતો. સેન્ટ્રલ લંડન એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આદેશમાં જણાવ્યું હતું કે, કંપનીની નેતાગીરીએ પીડિતા સાથે જાતિના આધારે ભેદભાવ કરવાના પુરાવા છે. લંડનની બેકઓફિસમાં ૧૦ વર્ષ કામ કરનારી શ્રેયાએ ૨૦૧૫માં કંપની સામે ફરિયાદ કરવા સાથે લૈંગિક ભેદભાવ, અસમાન વેતન અને કનડગતના મુદ્દે એક મિલિયન પાઉન્ડનું વળતર માગ્યું હતું. વળતર અંગેનો ચુકાદો આગામી મહિને અપાશે. જોકે, કંપનીએ જણાવ્યું હતું કે, ટ્રિબ્યુનલે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
વેસ્ટ લંડનના કેન્સિંગ્ટનની ઉકીલે નિવેદનમાં કહ્યું કે, ટ્રિબ્યુનલે શ્રેયાને પરેશાન કરવા તેમજ વંશીય ભેદભાવ કરવા બાબતે વિપ્રોના અધિકારીઓેને દોષિત ગણાવ્યા હતા. ટ્રિબ્યુનલે નોંધ્યુ હતું કે, કંપની તેને અન્ય કર્મચારીઓની જેમ સમાન વેતન આપતી ન હતી.
બીજી તરફ ચેલ્સી ફૂટબોલ ક્લબની ટેકનોલોજી પાર્ટનર વિપ્રોએ કહ્યું છે કે, કોર્ટે કંપનીની તરફેણમાં નિર્ણય આપ્યો છે, જેમાં તેને કંપનીમાંથી હાંકી કાઢવાના નિર્ણયને જાળવી રખાયો છે. શ્રેયા ૨૦૧૪ સુધી વિપ્રોના સેલ્સ વિભાગમાં ડિપાર્ટમેન્ટ હેડ હતી. આ પહેલાં શ્રેયા બેંગ્લોરમાં કામ કરતી હતી. ૨૦૧૦માં તેની બદલી લંડન કરાઈ હતી. ૨૦૧૪ સુધી તે કંપનીમાં ૧૦ વર્ષની સેવા આપી ચૂકી હતી.


