લંડનઃ દાયકાઓ સુધી ભારતીયોમાં અમેરિકા અને બ્રિટનમાં સ્થાયી થવાની જાણે કે હોડ જામી હતી પરંતુ એમ લાગી રહ્યું છે કે હવે તેમનો મોહ ઓસરી રહ્યો છે. અમેરિકા અને બ્રિટનમાં ઇમિગ્રેશન નીતિઓ આકરી બનવાના કારણે હવે ભારતીયો વૈકલ્પિક દેશો તરફ નજર દોડાવી રહ્યાં છે.
2023માં યુકેમાં વર્ક વિઝા મેળવનારા વિદેશીઓમાં ભારતીયો અગ્રસ્થાને રહ્યાં હતાં. આ વર્ષમાં 1,62,655 વર્ક વિઝા ભારતીયોને અપાયા હતા. પરંતુ 2024માં આ સંખ્યામાં 50 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો. હોમ ઓફિસના આંકડા પ્રમાણે 2024માં ફક્ત 81,463 ભારતીયોને જ વર્ક વિઝા અપાયા હતા.
વર્ક વિઝામાં સૌથી મોટો ઘટાડો હેલ્થ અને કેર વર્કર કેટેગરીમાં નોંધાયો છે. આ કેટેગરીમાં વર્ક વિઝા હજારો ભારતીય પરિવારો માટે યુકેમાં સ્થાયી થવાનો દરવાજો ગણાતો હતો. ઓગસ્ટ 2023માં આ કેટેગરીમાં વર્ક વિઝા માટે અરજી કરનારા ભારતીયોની સંખ્યા 18300 હતી જે જુલાઇ 2025માં ઘટીને ફક્ત 1300 પર આવી ગઇ હતી. આ માટે ઇમિગ્રેશન નીતિઓમાં કરાયેલા આકરા બદલાવ જવાબદાર છે. જુલાઇ 2025થી નવા કેર વર્કર માટે પ્રતિબંધ લાદી દેવાયો છે.
આ ઉપરાંત સ્કીલ્ડ વર્કર વિઝામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. 2024ના અંત સુધીમાં 6000 વિઝા પ્રતિ માસ જારી કરાતા હતા જે જુલાઇ 2025માં ઘટીને 4900 પર આવી ગયાં છે. સ્કીલ્ડ વર્કર વિઝા માટેની વેતન મર્યાદા 38700 પાઉન્ડથી વધારીને 41700 પાઉન્ડ કરી દેવાઇ છે જે આ ઘટાડા માટેનું મુખ્ય કારણ ગણાય છે.
તેવી જ રીતે એજ્યુકેશન સેક્ટરમાં એક સમયે ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટી માટે કરોડરજ્જૂ સમાન ગણાયા હતા પરંતુ હવે ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટનથી મોં ફેરવી રહ્યાં છે. 2023માં 1,59,371 ભારતીય વિદ્યાર્થીને વિઝા જારી કરાયાં હતાં. 2024માં આ સંખ્યા ઘટીને 92355 પર આવી ગઇ હતી જે 42 ટકાનો તોતિંગ ઘટાડો દર્શાવે છે.


