લંડનઃ વર્ષ 2023માં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન પર હુમલાના કેસમાં સંડોવણીના આરોપનો સામનો કરી રહેલા બ્રિટિશ ભારતીય ઇન્દરપાલ ગાબાને દિલ્હીની કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે, હાઇ કમિશન ખાતેની તોડફોડ અને હિંસામાં ગાબાની સંડોવણીના પુરતા પુરાવા ઉપલબ્ધ નથી.
દિલ્હી સ્થિત પતિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ જજ વિમલ કુમાર યાદવે તેમના આદેશમાં જણાવ્યું હતું કે, ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ગાબા અને હુમલા વચ્ચે કોઇ સંબંધ સ્થાપિત કરી શકી નથી. આ બનાવ બન્યો ત્યારે આરોપી તે સ્થળે હાજર જ નહોતો અથવા તો ભારતીય હાઇ કમિશન ખાતેના દેખાવો, હિંસા અને તોડફોડના કાવતરામાં તેની સંડોવણી જણાઇ નથી.
જજ યાદવે જણાવ્યું હતું કે, ગાબાના કેસમાં યુએપીએની કલમ 43ડી(5) લાગુ થઇ શકે તેમ નથી. જો આરોપી પરના આરોપ પ્રાથમિક દ્રષ્ટિએ સાચા જણાય તો જ આ કલમ લાગુ થઇ શકે છે અને તેમાં જામીનની જોગવાઇ નથી. ગાબા ભારત વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું નથી.