લંડનઃ 19 માર્ચ 2023ના રોજ લંડનમાં ભારતીય હાઇ કમિશન પર હુમલાનું કાવતરું પંજાબમાં ઘડાયું હોવાનો દાવો એનઆઇએ દ્વારા કરાયો છે. એનઆઇએ દ્વારા ઓગસ્ટના પ્રારંભમાં આ હુમલાના સંદર્ભમાં ભારતના પંજાબમાં દરોડા પડાયા હતા. તપાસ એજન્સી બે ખાલિસ્તાની આતંકવાદીને શોધી રહી છે. આ બંને આતંકવાદી એનઆઇએના દરોડા સુધી પંજાબમાં જ હતા. તે ઉપરાંત 30 જેટલા ખાલિસ્તાન સમર્થકો પણ એનઆઇએના વોન્ટેડ લિસ્ટમાં છે.
પંજાબમાં દરોડા દરમિયાન એનઆઇએના અધિકારીઓને મહત્વના ઇલેક્ટ્રોનિક પુરાવા મળી આવ્યાં હતાં જેની મદદથી ખાલિસ્તાન સમર્થકોની ઓળખ કરવામાં સફળતા મળી છે. લંડનમાં ભારતીય હાઇ કમિશન પરના હુમલાના તાર પંજાબ સુધી સંકળાયેલા હોવાનું બહાર આવતાં તપાસ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં છે. અત્યાર સુધી તેઓ એમ માનતા હતા કે આ હુમલાનું કાવતરું ભારત બહાર જ ઘડાયું હતું.
એનઆઇએની તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાના મુખ્ય કાવતરાખોર દલ ખાલસા યુકેના ગુરચરણ સિંહ, ખાલિસ્તાન લિબરેશન ફોર્સના અવતારસિંહ ખાંડા અને જસવીર સિંહ હતા. બીજીતરફ એનઆઇએ દ્વારા ફિલિપાઇન્સના મનિલાથી નવી દિલ્હી આવેલા બે ખાલિસ્તાની આતંકવાદીની ધરપકડ કરાઇ છે. મનપ્રીતસિંહ પીટ્ટા અને મનદીપસિંહ નામના આ બે આતંકવાદી કેનેડા સ્થિત અર્શ દાલા નામના સંગઠનના સભ્યો છે.


