ભારતીય હાઇ કમિશન પરના હુમલાના કેસમાં એનઆઇએ દ્વારા પ્રથમ ધરપકડ

હૌન્સલોના ઇન્દરપાલ સિંહ ગાબાની દિલ્હીમાં ધરપકડ કરાઇ

Tuesday 30th April 2024 11:43 EDT
 
 

લંડનઃ ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગયા વર્ષે લંડનમાં ભારતીય હાઇ કમિશન પરના હુમલામાં સંડોવાયેલા એક મહત્વના આરોપીની ધરપકડ કરી છે. હૌન્સલોના રહેવાસી ઇન્દરપાલ સિંહ ગાબાની નવી દિલ્હી પહોંચવા પર ધરપકડ કરાઇ હતી. અગાઉ ગાબા વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર જારી કરાયો હતો તેના આધારે તેને ઝડપી લેવાયો હતો. આ ઘટના નોંધપાત્ર છે કારણ કે પહેલીવાર બ્રિટિશ જ્યુરિડિક્શનમાં થયેલા અપરાધ માટે એક બ્રિટિશ નાગરિકની ધરપકડ કરાઇ છે.

ધરપકડ કરાયેલ ગાબા મૂળ અફઘાનિસ્તાનનો વતની છે અને ગ્રેટર લંડનમાં ગ્રોસરી, લીકર અને ટોબેકો શોપ ચલાવે છે. તેણે ગયા વર્ષે પહેલા ભારત અને ત્યારબાદ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેને યુકેમાં પરત ફરતા અટકાવવા લૂકઆઉટ સર્ક્યુલર જારી કરાયો હતો.

એનઆઇએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ પગલું દર્શાવે છે કે બંને દેશની કાયદા એજન્સીઓ વચ્ચેનું સંકલન વધી રહ્યું છે. આ પગલાંને કારણે હવે ફરી સુરક્ષાનો ભંગ, ભારતીય તિરંગાનું અપમાન અને વિદેશમાં ભારતીય હિતો સામેની ધમકીનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરી શકાશે.

આ કેસની એનઆઇએ દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યું હતું કે, 19 અને 22 માર્ચ 2023ના રોજ લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે બનેલી ઘટનાઓ વિદેશોમાં ભારતીય દૂતાવાસો અને તેમના અધિકારીઓ પર હિંસક હુમલાના વ્યાપક કાવતરાનો હિસ્સો હતી.

ભારતના પંજાબમાં અલગતાવાદી અમૃતપાલ સિંહ સામે પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીનો બદલો લેવા આ હુમલા કરાયા હતા. ભારત સરકારે યુકેના વરિષ્ઠ રાજદ્વારીઓને તેડાવીને તેમની સામે ઉગ્ર વિરોધ નોંધાવી સુરક્ષાની માગ કરી હતી. આ હુમલામાં 50 જેટલા શિખ અલગતાવાદીઓ સામેલ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter