ભારતીય હાઇ કમિશન સહિત સંખ્યાબંધ સ્થળે મન કી બાતનું પ્રસારણ કરાયું

ભારતના મંત્રી જિતેન્દ્ર સિંહ સહિત મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો હાજર રહ્યાં

Tuesday 02nd May 2023 12:43 EDT
 
 

લંડન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડનું 30 ઓપ્રિલ રવિવારના રોજ પ્રસારણ કરાયું હતું. આ માટે યુકે સ્થિત ભારતીય હાઇ કમિશન અને અન્ય મિશનો સહિત સંખ્યાબંધ સ્થળે લાઇવ સ્ટ્રિમિંગનું આયોજન કરાયું હતું. મન કી બાતના 100મા એપિસોડનું જીવંત પ્રસારણ શરૂ કરાયુ ત્યારે યુકેમાં સવારના 6 વાગ્યા હતા તેમ છતાં પીએમ મોદીનો વાર્તાલાપ સાંભળવા માટે મોટી સંખ્યામા લોકો હાજર રહ્યાં હતાં. વિવિધ સ્થળે આયોજિત કાર્યકમોમાં મોટી સંખ્યામાં એમ્બેસીના અધિકારીઓ અને ભારતીય સમુદાયના લોકો હાજર રહ્યાં હતાં.

આ પ્રસંગે ભારતીય હાઇ કમિશન ખાતે આયોજિત કાર્યક્રમમાં હાલ યુકેના પ્રવાસે આવેલા ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ પણ હાજર હતા. આ પ્રસંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ છે. જ્યારે પણ તેઓ કોઇ અજાણ્યા હીરોની વાત કરે છે ત્યારે તે જાણીતો હીરો બની જાય છે.

આ પ્રસંગે હાજર રહેલા ભારતીય સમુદાયના લોકોએ આશા વ્યક્ત કરી હતી કે, વડાપ્રધાન મોદી મન કી બાત રેડિયો કાર્યક્રમના આગામી એપિસોડમાં વિદેશમાં વસતા ભારતીયોની સ્ટોરી પણ સામેલ કરે. યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વી કે દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ભારતીય સમુદાયમાં જુસ્સો હજુ પણ મજબૂત છે અને ફક્ત તેને એકસૂત્રે સાંકળવાની જરૂર છે.

મોદી વડાપ્રધાન બન્યા પછી યુકેનો ભારતીય સમુદાય નોંધપાત્ર બદલાવ જોઇ રહ્યો છે – જિતેન્દ્ર સિંહ

યુકેની મુલાકાતે આવેલા ભારતના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી યુકેનો ભારતીય સમુદાય નોંધપાત્ર બદલાવ જોઇ રહ્યો છે. જેમણે તાજેતરમાં ભારતની મુલાકાત લીધી છે તેઓ તમામ મારી સાથે સહમત છે. જે લોકો કેટલીક હતાશા સાથે દેશ છોડીને યુકે અથવા તો અન્ય દેશોમાં ગયા છે તેઓ પણ હવે પાછા વળીને ભારત તરફ જોઇ રહ્યાં છે. હવે તેમને દેશ છોડવા અંગે ખેદ થઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter