લંડનઃ યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીની ચીન ખાતેના ભારતીય રાજદૂત તરીકે નિયુક્તિ કરાઇ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, દોરાઇસ્વામી ટૂંકસમયમાં ચીન ખાતે તેમનો કાર્યભાર સંભાળી લેશે. તેઓ વર્તમાન રાજદૂત પ્રદીપકુમાર રાવતનું સ્થાન લેશે.
લદ્દાખમાં ચીન સાથેની સરહદી મડાગાંઠ મધ્યે વણસેલા સંબંધ સુધારવા ભારત સરકારે બેઇજિંગમાં એક વરિષ્ઠ રાજદૂત નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. દોરાઇસ્વામીના સ્થાને વિદેશ સચિવ (ઇસ્ટ) પી કુમારનને લંડન મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અધિક વિદેશ સચિવ પુનિત અગ્રવાલને થાઇલેન્ડ અને નાગેશ સિંહને ઓસ્ટ્રેલિયામાં નિયુક્ત કરાયા છે. હાલમાં બાંગ્લાદેશમાં ભારતના હાઇ કમિશનર પ્રણય વર્મા બ્રસેલ્સ ખાતે નિયુક્ત કરાયા છે.
૧૯૯૨માં દોરાઈસ્વામી ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. તે પહેલાં તેમણે એક વર્ષ પત્રકારત્વ કર્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ૧૯૯૨-૧૯૯૩ દરમિયાન નવી દિલ્હીમાં તેમની ઇન-સર્વિસ તાલીમ પૂર્ણ કર્યા પછી, મે ૧૯૯૪માં દોરાઈસ્વામીને હોંગકોંગમાં ભારતીય દૂતાવાસમાં થર્ડ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે હોંગકોંગની ચાઇનીઝ યુનિવર્સિટીની ન્યુ એશિયા યેલ-ઇન-એશિયા લેંગ્વેજ સ્કૂલમાંથી ચાઇનીઝ ભાષામાં ડિપ્લોમા પૂર્ણ કર્યો છે.
સપ્ટેમ્બર ૧૯૯૬માં, તેમને બેઇજિંગમાં ભારતીય દૂતાવાસમાં નિયુક્ત કરવામાં આવ્યા, જ્યાં તેમણે લગભગ ચાર વર્ષ સેવા આપી હતી.
યુકેમાં પોતાનો કાર્યકાળ શરૂ કરતા પહેલા તેમણે ૫ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચાયુક્ત તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.


