લંડનઃ લંડનમાં ભારતીય હાઇ કમિશન દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ડાયસ્પોરાના સભ્યો, યોગના ચાહકો અને ભારતના મિત્રોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. ઉજવણીની થીમ યોગા ફોર વન અર્થ, વન હેલ્થ રખાઇ હતી.
આ પ્રસંગે દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક સભ્ય સમાજો દ્વારા વર્ષના સૌથી લાંબા દિવસને વિશેષ મહત્વ અપાતું હતું તેની પાછળ કારણ છે. આ વિશેષ દિવસને જ યોગ દિવસ તરીકે પસંદ કરાયો છે. યોગ ફક્ત કસરત નથી પરંતુ વૈજ્ઞાનિક કારણો સાથે સંકળાયેલ છે. તે માનવ શરીરને તંદુરસ્ત બનાવે છે.
યોગ દિવસ નિમિત્તે કિંગ ચાર્લ્સે પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો
કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા પાઠવાયેલા સંદેશનો ઉલ્લેખ કરતાં દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ આપણને યાદ અપાવે છે કે વર્તમાન અને ભાવિ પેઢીઓના ખુશહાલ અને તંદુરસ્ત ભવિષ્ય માટે વિશ્વ એકજૂથ થાય તે અત્યંત મહત્વનું છે. યુકેમાં લાખો લોકો યોગાના ફળ ચાખી રહ્યાં હોવાથી તેની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે. ઉજવણીમાં ભાગ લઇ રહેલા તમામને મારી શુભેચ્છા.