લંડનઃ ભારતીય હાઈ કમિશન અને લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટી યુકે વચ્ચેના સંબંધ પુનઃ તાજા થયા છે. આ સપ્તાહના આરંભે બોર્નમાઉથ ખાતે પાર્ટીની ઓટમ કોન્ફરન્સમાં ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિંહા દ્વારા લિબરલ ડેમોક્રેટ્સ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં પાર્ટીના નેતા સર વિન્સ કેબલ, સીઈઓ નિક હાર્વે અને લોર્ડ નવનીત ધોળકિયા, પાર્ટીના પૂર્વ નેતા ટિમ ફેરોન અને સર સિમોન હ્યુજિસ સહિત લિબ ડેમ્સના ઉમરાવો, પૂર્વ અને વર્તમાન સાંસદો તેમજ સ્થાનિક કાઉન્સિલરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
લેસ્ટર સાઉથના પૂર્વ સાંસદ પરમજિત ગિલે મહેમાનોને આવકારતા જણાવ્યું હતું કે બ્રિટિશ પાર્લામેન્ટમાં સૌપ્રથમ ભારતીય દાદાભાઈ નવરોજીને ૧૮૯૨માં ચૂંટાવી લાવનાર યુકેની સૌપ્રથમ પાર્ટી જ લિબરલ પાર્ટી હતી. પરમજિત ગિલ બીજા ભારતીય સાંસદ હતા, જેઓ ૨૦૦૪માં ચૂંટાયા હતા.
ઘણા વર્ષો અગાઉ લિબરલ ડેમોક્રેટ્સ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરનારા લોર્ડ ધોળકિયાએ કહ્યું હતું કે ભારતીય હાઈ કમિશન અને ધ લિબ ડેમ્સ વચ્ચેના સંપર્કો ગત થોડા વર્ષમાં નબળા પડવાથી તેઓ દિલગીર છ. આ સંપર્કની એક પરંપરા મુજબ આપણી વાર્ષિક ઓટમ કોન્ફરન્સમાં હાઈ કમિશન દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવતું હતું, જે છેલ્લાં પાંચ વર્ષમાં શક્ય બન્યું ન હતુ. લોર્ડ ધોળકિયાએ આ પરંપરા પુનઃ જીવિત કરવા બદલ હાઈ કમિશનરનો આભાર માન્યો હતો.
લિબ ડેમ પાર્ટીના નેતા સર વિન્સ કેબલે બ્રિટિશ ઈકોનોમીમાં ભારત દ્વારા ભજવાતી મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે જણાવ્યું હતું કે આ સંબંધો જળવાય અને વધુ મજબૂત બને તે યુકેના બિઝનેસીસ અને રાજકીય ભાવિ માટે આવશ્યક છે. તેમણે ખાતરી ઉચ્ચારી હતી કે આ પ્રક્રિયાને આગળ વધારવામાં તેઓ અને લિબરલ ડેમોક્રેટ્સ જે કાંઈ કરી શકાય તે અવશ્ય કરશે.
હાઈ કમિશનર સિંહાએ એ હકીકત સ્પષ્ટ કરી હતી કે ઉભરતાં અર્થતંત્ર તરીકે ભારત યુકે માટે મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક વેપાર ભાગીદાર બનતુ રહેશે. બ્રેક્ઝિટના સંદર્ભમાં તો આ ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બની રહેશે. તેમણે કહ્યું હતું કે આ પ્રક્રિયામાં પ્રામાણિક બ્રોકરની ભૂમિકા ભજવવાની તક લિબરલ ડેમોક્રેટ્સ પાસે છે અને સર વિન્સ કેબલે આ મુદ્દે લિબરલ ડેમોક્રેટ્સ શું કરવા ઈચ્છે છે તે જણાવ્યું તે સાંભળીને આનંદ થયો છે.
કાર્યક્રમના સમાપન ટાણે કાઉન્સિલર રબિ માર્ટિન્સે આભાર પ્રસ્તાવ રજૂ કરી આ કાર્યક્રમ યોજવા બદલ ભારતીય હાઈ કમિશન તેમજ વ્યસ્ત સમયપત્રકમાંથી સમય ફાળવવા વિન્સ કેબલનો વિશેષ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લિબ ડેમ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા બંને પક્ષોની દરખાસ્તોને આગળ વધારવા ભારતીય હાઈ કમિશનને મદદરુપ બનવા તૈયાર રહેશે. (૩૮૯)