લંડનઃ ભારતીય હાઈકમિશન, લંડનમાં ભારત સરકારની ટુરીસ્ટ ઓફિસ, અને ૧૪ બ્રિટિશ યોગ સંસ્થાઓના સહયોગથી રવિવાર ૧૯ જુને ટાવરબ્રિજ નજીક પોટર્સ ફિલ્ડ્સ પાર્કમાં યુએન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. સવારના ૮.૩૦થી સાંજના ૫.૩૦ સુધીના આખા દિવસના કાર્યક્રમમાં ૧૦,૦૦૦થી વધુ લોકોએ વિવિધ યોગ અને ધ્યાનના સત્રોમાં ભાગ લીધો હતો. ટાવરબ્રિજ નજીકના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત નોર્થ લંડનના એલેકઝાન્ડ્રાના સુંદર મેદાનમાં અન્ય કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. યુકે સ્થિત ભારતના હાઈકમિશનર નવતેજ સરનાએ કાર્યક્રમનો ઉદ્ઘાટન કર્યું હતું. આ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના ખાસ સંદેશાઓ દર્શાવાયા હતા.
સાંસદ, એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર અને વડા પ્રધાન કેમરનના ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન પ્રિતિ પટેલે પણ આ પ્રસંગે ભારતીય હાઈકમિશનને અભિનંદન પાઠવ્યા હતા. લોર્ડ રણબીરસિંહ સુરી અને સાંસદ બોબ બ્લેકમેન આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં અને ભારતીય યોગને વિશ્વ તખ્તા પર લાવવા માટે વડા પ્રધાન મોદીની પહેલને બિરદાવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં બ્રિટિશ વ્હીલ ઓફ યોગા, પતંજલિ યોગપીઠ (યુકે) ટ્રસ્ટ, ધ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન, શિવાનંદ યોગ વેદાંત સેન્ટર, બ્રહ્માકુમારીસ, ઈશા ફાઉન્ડેશન, દત્તા સહજ યોગ મિશન યુ.કે., હાર્ટફુલનેસ, કુલ હર્બલ્સ, ચિ ક્રિ, ધ યોગ ફેસ્ટિવલ, સ્પેશિયલ યોગ ફાઉન્ડેશન અને સ્કાય ટ્રસ્ટ યુકે સહિતની સંસ્થાઓએ હાથ મિલાવ્યા હતા.
બ્રિટનમાં યોગની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે અને બ્રિટિશરો વર્ષે ૭૯૦ મિલિયન પાઉન્ડ યોગ શીખવા પાછળ ખર્ચે છે. ‘સિલ્વર યોગી’ તરીકે ઓળખાતા મધ્યમ વયના લોકો પણ યોગના લાભ મેળવી રહ્યા છે.
કેન્સિંગ્ટન પેલેસ દ્વારા અભિનંદન
લંડનમાં દ્વિતીય ઈન્ટરનેશનલ ડે ઓફ યોગાની સફળ ઊજવણી બદલ કેન્સિંગ્ટન પેલેસે ભારતીય હાઈકમિશનને અભિનંદનનો સંદેશો પાઠવ્યો હતો. ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે એપ્રિલ ૨૦૧૬માં ભારતની સફળ મુલાકાત લીધી હતી. શાહી દંપતીએ વડાપ્રધાન મોદી સાથે યોગની પ્રાચીન પરંપરા અને ફિલોસોફી તેમજ વર્તમાન વિશ્વમાં તેને મળી રહેલી માન્યતાની ચર્ચા કરી હતી. આ મુલાકાતના પગલે કેન્સિંગ્ટન પેલેસે યોગ દિવસની સફળતાનો સંદેશો પાઠવ્યો હતો.
કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરે શાંતિ અને સહિષ્ણુતાની હાકલ કરી
કિંગ્સબરીના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવાર ૧૯ જુને ૨૫૦ જેટલાં ‘યોગી’ ઉપસ્થિત રહ્યાં હતાં અને દ્વિતીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરી હતી. મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વૈશ્વિક નેતા આચાર્યશ્રી મહારાજે વૈશ્વિક શાંતિ બંધુત્વ અને સહિષ્ણુતાનો સંદેશો પાઠવ્યો હતો. મંદિર દ્વારા પ્રેક્ષાધ્યાન અને યોગનું શિક્ષણ યુવા અને વૃદ્ધ વર્ગને આપવામાં આવે છે. આ પ્રસંગે ઓરલેન્ડો સામુહિક ગોળીબારના મૃતકો તેમજ બ્રિટિશ સાંસદ જો કોક્સની હત્યા સંબંધે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટી મહેશ વર્ષાણીએ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિનું નેતૃત્વ કર્યું હતું.


