લંડનઃ ખાલિસ્તાનવાદી સમર્થકોએ 19 માર્ચ, રવિવારે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન પર હુમલો કરી લહેરાતો ત્રિરંગો ઉતારી ખાલિસ્તાની ઝંડો લગાવી દીધો હતો. આ ઘટના સંદર્ભે ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ દાખવી દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને સમન્સ પાઠવી ઉત્તર માગ્યો હતો. ભારતમાં ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહની ધરપકડ માટે પોલીસ કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ આ ઘટનાથી ભારે સનસનાટી વ્યાપી ગઈ હતી. ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલીસે ટ્વીટ કરી આ ઘટનાની આકરી ટીકા કરી હતી. ભારતે આ શરમજનક ઘટનામાં સંડોવાયેલા લોકોની તત્કાળ ઓળખ, ધરપકડ અને કાનૂની કાર્યવાહી કરવા તેમજ આવું પુનરાવર્તન થતું અટકાવવાના પગલાં લેવા યુનાઈટેડ કિંગ્ડમને અનુરોધ કર્યો છે. સૂત્રોના અહેવાલો અનુસાર લંડન પોલીસે હાઈ કમિશન પરથી ભારતીય રાષ્ટ્રધ્વજને ઉતારી અપમાન કરનારા અવતાર સિંહ ખાંડાની ધરપકડ કરી છે. ખાંડાએ જ વારિસ પંજાબ-દેના વડા અમૃતપાલ સિંહને ટ્રેનિંગ આપી હોવાનું કહેવાય છે.
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહના વડપણ હેઠળના શીખ ગ્રૂપ ‘વારિસ પંજાબ દે’ સામે ભારતીય સુરક્ષા દળો દ્વારા કરાયેલી કાર્યવાહીના વિરોધમાં લંડનમાં ભારતીય હાઈ કમિશન સામે ખાલિસ્તાની સમર્થકોએ દેખાવો કર્યા હતા તેમજ ભારતના રાષ્ટ્રીય ત્રિરંગા ધ્વજને ઉતારી ખાલિસ્તાની ઝંડો લગાવી દીધો હતો. જોકે, ભારતીય કર્મચારીએ રાષ્ટ્રધ્વજને સહીસલામત રીતે અન્યને સુપરત કરી દીધો હતો. દેખાવકારોએ ખાલિસ્તાનતરફી સૂત્રો પોકારવા સાથે ખાલિસ્તાની ધ્વજો લહેરાવ્યા હતા.
સેંકડો ભારતીયો તિરંગા સાથે હાઈ કમિશન પહોંચ્યા
ભારતીય હાઈ કમિશન પર ખાલિસ્તાની હુમલા અને તિરંગો ઉતારી લેવાની રવિવારની ઘટનાના પગલે મંગળવાર 21 માર્ચે શીખો સહિત સેંકડો ભારતીયો હાથમાં તિરંગા ધ્વજ લહેરાવતા હાઈ કમિશનની બહાર પહોંચ્યા હતા. આ સમયે મેટ્રોપોલિટન પોલીસ એલર્ટમાં હાજર હતી. ભારતીયોમાં એકતાનો સંદેશો પાઠવવા ભારત માતાની જય અને જય હિન્દના નારાઓ ગૂંજ્યા હતા. ભારતીય દેખાવકારોએ સ્લમડોગ મિલિયોનેર ફિલ્મના ઓસ્કરવિજેતા ગીત‘જય હો’ પર નાચ કર્યો હતો. ખાલિસ્તાની પ્રવૃત્તિઓનો વિરોધ કરવા એકત્ર થયેલા લોકોમાંથી મોટા ભાગનાએ કહ્યું હતું કે કટ્ટરવાદી લોકો ભારત અને અહીં શાંતિનો ભંગ કરવાના પ્રયાસ કરે છે અને તેમને જવાબ આપવાની જરૂર છે.
બીજી તરફ, નવી દિલ્હીમાં પણ ખાલિસ્તાનીઓની કટ્ટરવાદી પ્રવૃતિનો વિરોધ કરવા શીખો મોટી સંખ્યામાં બ્રિટિશ હાઇ કમિશન બહાર એકત્ર થયા હતા. શીખોએ ખાલિસ્તાનીઓ વિરુદ્ધ બેનર્સ અને પોસ્ટરો ફરકાવી ભારત અમારું ગૌરવ છે અને ભારતીય. તિરંગાનું અપમાન કોઈ પણ રીતે સહન કરી નહીં લેવાયના સૂત્રોચ્ચારો કર્યા હતા.
દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારી પાસે ખુલાસો મગાયો
ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે જ બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસ દિલ્હીમાં ન હોવાથી ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટિના સ્કોટને મંત્રાલય બોલાવ્યા હતા અને તેમની પાસે આ ઘટના સંદર્ભે કડક ભાષામાં ખુલાસો માગ્યો હતો. વિભાજનવાદી અને ઉગ્રવાદી તત્વો લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનમાં ઘૂસી આવ્યા ત્યારે બ્રિટિશ સિક્યોરિટીની ગેરહાજરી બાબતે પ્રશ્ન ઉઠાવાયો હતો. ભારતીય રાજદ્વારીઓ અને કર્મચારીઓની સુરક્ષા બાબતે યુકે સરકાર ઉપેક્ષા કરી રહી હોવાં મુદ્દે પણ આકરી ટીકા કરાઈ હતી. વિયેના કન્વેન્શન અનુસાર સુરક્ષા અંગે સંપૂર્ણ જવાબદારી બ્રિટનની રહે છે. આ પ્રકારની બેદરકારી કે ઉપેક્ષા સાંખી લેવાય તેમ નથી.
બ્રિટિશ મિનિસ્ટર અને હાઈ કમિશનરે આકરી ટીકા કરી
બ્રિટિશ ફોરેન ઓફિસ મિનિસ્ટર તારિક અહમદે ભાંગફોડની ઘટનાથી વ્યથિત થયા હોવાનું જણાવી ઉમેર્યું હતું કે સરકાર ભારતીય હાઈ કમિશનની સુરક્ષા વ્યવસ્થાને ગંભીરતાથી લેશે. લંડનના મેયર સાદિક ખાને પણ ભારતીય મિશન ખાતે ગુંડાગીરી-જંગલિયાતની આકરી ટીકા કરતા કહ્યું હતું‘ કે આપણા શહેરમાં આ પ્રકારના વર્તન માટે કોઈ સ્થાન નથી.
આ મામલે ભારતમાં બ્રિટિશ હાઈકમિશનર એલેક્સ એલિસે ટ્વિટ કરીને ખાલિસ્તાની વિભાજનવાદીઓના કૃત્યની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હું લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં લોકો વિરુદ્ધ પરિસરમાં કરાયેલા શરમજનક કૃત્યની આકરી ટીકા કરું છું. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
બે ગાર્ડને ઈજાઃ એક વ્યક્તિની ધરપકડ
દરમિયાન, સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું છે કે ભારતીય રાષ્ટ્રધ્વજને ઉતારી ખેંચવા અને હિંસક અરાજકતાના સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી તે પહેલા જ મોટા ભાગના લોકો વિખેરાઈ ગયા હોવાની સ્પષ્ટતા પણ કરાઈ હતી. મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે બે સિક્યોરિટી ગાર્ડને ઈજા પહોંચી હતી અને તપાસ આરંભી દેવાઈ છે. પોલીસે કહ્યું હતું કે ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગની બારીઓ તોડી નખાઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફૂટેજમાં એક વ્યક્તિ ભારતીય હાઈ કમિશનના પ્રથમ માળની બાલ્કનીમાંથી ભારતના રાષ્ટ્રધ્વજને ઉખાડતા દર્શાવાયો હતો. બીજી તરફ, નીચે રહેલી લોકોની ભીડ પીળા રંગના ‘ખાલિસ્તાન’ બેનર્સ લહેરાવી તેને પ્રોત્સાહન આપતી નજરે પડે છે.


