લંડન: ભારતમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ -૩૭૦ રદ કરવા તેમજ લદાયેલા નિયંત્રણોના મુદ્દે પાકિસ્તાન મૂળના નાગરિકો અને બ્રિટનમાં વસતા કાશ્મીરી લોકોએ ફરી એક વખત ભારતીય હાઈ કમિશનની ઈમારતને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આશરે ૧૦,૦૦૦ પ્રદર્શનકારીઓએ ત્રીજી સપ્ટેમ્બરે મંગળવારે ભારતીય હાઈ કમિશનની ઈમારતને નિશાન બનાવી ઈંડા, ટામેટા, સ્મોક બોમ્બ અને પથ્થરો ફેંક્યા હતા. તેના કારણે ઈમારતની કાચની બારીઓને ભારે નુકસાન થયું હતું. મેટ્રોપોલીટન પોલીસે આ ઘટનાના સંદર્ભે બે વ્યક્તિની ધરપકડ કરી હતી અને એક દેખાવકાર પાસેથી ધારિયું પણ મળ્યાનું કહેવાય છે. બ્રિટિશ ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ અને લંડનના મેયર સાદિક ખાને ભારતીય હાઈ કમિશન પરના હિંસક હુમલાને વખોડી કાઢ્યા હતા. અગાઉ, ૧૫ ઓગસ્ટે ખાલિસ્તાની અને કાશ્મીરી ઝંડા સાથે આવેલા દેખાવકારોએ શાંતિપૂર્વક સ્વતંત્રતા દિવસ મનાવી રહેલા બ્રિટિશ ભારતીયો પર ઇંડા, બોટલ, જૂતા અને અન્ય વસ્તુઓ ફેંકી હિંસક હુમલો કર્યો હતો.
ફોરેન સેક્રેટરીએ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે કોઈ પણ હિંસા વખોડવાને પાત્ર છે. આ દેશ કે અન્યત્ર કોઈ સ્થળે આ ચલાવી લેવાય નહિ. કાશ્મીરમાં કોમ્યુનિટીઓ તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોગ્ય મંત્રણા માટે વિશ્વાસ નિર્માણના પગલાં લેવાની અમે હિમાયત કરીએ છીએ. નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના સાંસદ અને મૂળ ભારતીય શૈલેશ વારાએ મંગળવારે પાર્લામેન્ટ આ ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને નિશાન બનાવતી આવી હિંસક ઘટનાઓ યુકેની શેરીઓમા અન્ય કોમ્યુનિટી માટે કરાતી હોય તેવી જ તદ્દન અસ્વીકાર્ય બાબત છે.
ભારતીય હાઇ કમિશને બિલ્ડિંગ પરિસરમાં થયેલા નુકસાનની તસવીર ટ્વીટ કરી હતી. પાકિસ્તાની મૂળના લંડનના મેયર સાદિક ખાને આ ઘટનાની ટીકા કરી એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે આ અસ્વીકાર્ય વ્યવહારની નિંદા કરે છે. હાઈ કમિશને વિરોધ-પ્રદર્શનનો ફોટો પણ ટ્વિટ કરી લખ્યું છે કે, લંડનમાં ભારતીય હાઈ કમિશન સામે ફરી વખત હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું છે. અગાઉ ૧૫ ઓગસ્ટે હાઈ કમિશનમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહેલા ભારતીયો ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો.
સમગ્ર બ્રિટનમાંથી અંદાજે ૧૦,૦૦૦ બ્રિટિશ પાકિસ્તાની દેખાવકારો લંડન પહોંચ્યા હતા. પાકિસ્તાની ઉપદ્રવીઓએ પાર્લામેન્ટ સ્ક્વેરથી હાઈ કમિશન ઈમારત સુધી ‘કાશ્મીર ફ્રિડમ માર્ચ’ કરી હતી. પ્રદર્શનકારીઓના હાથમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના ઝંડા અને પ્લેકાર્ડ હતા. માર્ચનું નેતૃત્વ યુકેની લેબર પાર્ટીના કેટલાંક સાંસદોએ કર્યું હતું. શરૂઆતમાં શાંત રહેલી આ માર્ચ પાછળથી હિંસક બની હતી. દેખાવકારોના હાથમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ના ઝંડા અને બેનર હતા અને કાશ્મીરમાં લોકડાઉન બંધ કરો, અમે આઝાદી ઈચ્છીએ છીએ સહિતના સૂત્રોચ્ચારો કર્યા હતા.
એક મહિનામાં પાકિસ્તાની દેખાવકારોએ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનને નિશાન બનાવ્યાની આ બીજી ઘટના છે. અગાઉ, ૧૫ ઓગસ્ટે ખાલિસ્તાની અને કાશ્મીરી ઝંડા સાથે આવેલા દેખાવકારોએ શાંતિપૂર્વક સ્વતંત્રતા દિવસ મનાવી રહેલા બ્રિટિશ ભારતીયોને હુમલાનું નિશાન બનાવી ઇંડા, બોટલ, જૂતા અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. હુમલાથી બચવા માટે મહિલા અને બાળકો સહિત કેટલાંય લોકોને બિલ્ડિંગમાં શરણ લેવું પડ્યું હતું.