ભારતીય હાઈ કમિશનર સિંહાએ ક્વીન સમક્ષ ઓળખપત્રો રજૂ કર્યા

Wednesday 22nd February 2017 05:28 EST
 
 

લંડનઃ ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર વાય કે સિંહાએ બકિંગહામ પેલેસ ખાતે ૧૫ ફેબ્રુઆરીએ યુકે અને નોર્થર્ન આયર્લેન્ડના ક્વીન એલિઝાબેથ દ્વિતીયને પોતાના ક્રેડેન્શિયલ્સ સુપરત કર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે તેમના પત્ની શ્રીમતી ગિરીજા સિંહા, ડેપ્યુટી હાઈ કમિશનર અને હાઈ કમિશનના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાઈ કમિશનર સિંહા ૧૯૪૭થી યુકે ખાતેના ભારતના ૨૬મા હાઈ કમિશનર છે. અગાઉ શ્રીલંકા ખાતે હાઈ કમિશનર તરીકે કાર્યરત સિંહાએ ડિસેમ્બર, ૨૦૧૬માં યુકેમાં ભારતના હાઈ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. હાઈ કમિશનર સિંહાએ ક્વીન એલિઝાબેથ દ્વિતીયને ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તરફથી શુભેચ્છા પાઠવી હતી.

સિંહાએ નવેમ્બર ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટનની મુલાકાત દરમિયાન બન્ને દેશો દ્વારા સુનિશ્ચિત કરેલી રૂપરેખાના અમલની દિશામાં કાર્યરત રહેવાની ભારત સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ક્વીને દ્વિપક્ષીય સંબંધો સુદૃઢ બનાવવા માટે બન્ને દેશોએ લીધેલાં વિવિધ પગલાંની પ્રશંસા કરી હતી. હાઈ કમિશનરે ઈન્ડિયા-યુકે કલ્ચર યરના આરંભ પ્રસંગે સમારોહનું આયોજન કરવા બદલ ક્વીનનો આભાર માન્યો હતો.

ક્રેડેન્શિયલ્સ સુપરત કર્યા પછી હાઈ કમિશનર અને શ્રીમતી સિંહાએ તેમના નિવાસ સ્થાને સાંસદો, યુકે સરકારના સીનિયર અધિકારીઓ, યુકેમાં દૂતાવાસોના વડાઓ સહિત મહાનુભાવો, ભારતીય સમુદાય, બિઝનેસ ગ્રૂપ્સ તથા મીડિયાના પ્રતિનિધિઓ માટે સમારોહનું આયોજન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter