લંડન: વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરાને પરત લાવવા માટે ભારતીય વેપારીઓ અને કલાકારોનું એક ગ્રુપ બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીય સામે કાનુની જંગ છેડવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ડિયન લેજર ગ્રુપના સંસ્થાપક ડેવિડ ડિસોઝાએ આ લડાઈમાં મદદ કરવા માટે નાણા આપવાનું એલાન કર્યું છે.
લંડનમાં ભારતીય વેપારીઓ અને કલાકારો બ્રિટનની મહારાણી સામે લડી લેવાના મુડમાં જણાય છે. આ લડાઈના કેન્દ્રસ્થાને એક સમયે ભારતની આનબાન અને શાન રહી ચૂકેલો કોહિનૂર હીરો છે. કોહિનૂર હીરાને ભારતને સોંપાય તે માટે ભારતીયોએ કોર્ટમાં કાનુની લડાઈના મંડાણ કર્યા છે. આ લડાઈમાં ઈન્ડિયન લેઝર ગ્રુપના સંસ્થાપક ડેવિડ ડિસોઝા આર્થિક મદદ કરી રહ્યા છે. આ માટે તેઓએ વકીલો સાથે વાતચીત કરી છે. ડિસોઝાનું કહેવું છે કે ભારતમાંથી શંકાસ્પદ રીતે બ્રિટનમાં લઈ જવામાં આવેલી કેટલીક વસ્તુમાં કોહિનૂર હીરાનો પણ સમાવેશ થાય છે. બ્રિટિશ સંસ્થાનવાદે માત્ર દેશના લોકોનાં ધનની જ લૂંટ ચલાવવાની સાથોસાથ ભારતના આત્માનો પણ નાશ કર્યો છે. બર્મિંગહામસ્થિત કાનૂની પેઢી રુબ્રિક લૂઈ કિંગના સતિષ જાખુએ જણાવ્યું હતું કે તેઓ ‘ટ્રેસપાસ ટુ ગૂડ્ઝ’ના સામાન્ય કાનૂની સિદ્ધાંત હેઠળ સરકારે હીરાની ચોરી કર્યાની દલીલ સાથે કોહિનૂર હીરાનો ક્લેઈમ કરશે. તેઓ આ કેસ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પણ લઈ જશે.
કોહિનૂરનો અર્થ પ્રકાશનો પર્વત થાય છે. કોહિનૂર દુનિયાનો સૌથી મોટો કપાયેલો હીરો છે. જે ભારતમાં એક શાસક વંશથી બીજા શાસક વંશને સોંપવામાં આવતો હતો. ૧૦૫ કેરેટનો આ હીરો ૮૦૦ વર્ષ પહેલા ભારતમાંથી ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો. જેને બ્રિટિશ શાસનકાળમાં મહારાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. આ માટે છેલ્લા શીખ શાસક દિલિપ સિંહને ૧૩ વર્ષની વયે બ્રિટન લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ કોહિનૂર રાણી વિક્ટોરિયાને સોપ્યો હતો. મહારાણીની માતાના મુકુટમાં જડવામાં આવેલો કોહિનૂર હીરો હાલ લંડનના ટાવરમાં પ્રદર્શન માટે મુકાયેલો છે.