ભારતીયોની વધુ એક સિદ્ધીઃ બીબીસીના ચેરમેનપદે સમીર શાહની પસંદગી

સમીર શાહની મહારાષ્ટ્રના ઔરંગાબાદથી બીબીસીના ચેરમેન સુધીની સફર

Tuesday 12th December 2023 12:34 EST
 
 

લંડનઃ એપ્રિલ મહિનામાં રિચર્ડ શાર્પના રાજીનામા બાદ બીબીસીના નવા ચેરમેન તરીકે ટીવી એક્ઝિક્યુટિવ સમીર શાહ સરકારની પસંદગી કરાઇ છે. 71 વર્ષીય સમીર શાહ આ પહેલાં બીબીસીમાં કરન્ટ અફેર્સ હેડ સહિતના વિવિધ હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર તેમની પસંદગી કરી રહી છે તે જાણીને આનંદ થયો છે. પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સાથેની કથિત સોદાબાજીમાં નિયમોના ઉલ્લંઘન માટે શાર્પે રાજીનામું આપ્યું હતું. ત્યારથી પ્રો. ડેમ ઇલન ક્લોસ સ્ટિફન્સ બીબીસીના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યાં છે.

બીબીસી આમ તો રાજકીય રીતે સ્વતંત્ર ગણાય છે પરંતુ તેના અધ્યક્ષની નિયુક્તિ સરકાર દ્વારા કરાય છે. કલ્ચર સેક્રેટરી લ્યુસી ફ્રેઝરે જણાવ્યું હતું કે, આ હોદ્દા માટે સમીર શાહ બહોળો અનુભવ ધરાવે છે. ઝડપથી બદલાતા મીડિયા લેન્ડસ્કેપમાં બીબીસીને સફળ બનાવવાની મહત્વાકાંક્ષા તેમનામાં સ્પષ્ટ જોઇ શકાય છે. મને એ વાતમાં કોઇ શંકા નથી કે ભવિષ્યના પડકારો અને તકોને પહોંચી વળવા માટે બીબીસીને જરૂરી તમામ સહાય તેઓ પુરી પાડશે.

સરકારની પસંદગી પર ડીસીએમએસ સિલેક્ટ કમિટીની મહોર લાગ્યા બાદ સમીર શાહની નિયુક્તિના પ્રસ્તાવને પ્રાઇવી કાઉન્સિલ અને કિંગની મંજૂરી માટે મોકલી અપાશે.

બીબીસીના ચેરમેનપદે નિયુક્ત થઇ રહેલા સમીર શાહનો જન્મ 1952માં ભારતના મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે થયો હતો. 1960માં તેમનો પરિવાર સ્થળાંતર કરીને ઇંગ્લેન્ડ પહોંચ્યો હતો. ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ સમીર શાહે ઇન્ડિપેન્ડન્ટ બ્રિટિશ સ્કૂલમાં અભ્યાસ કરીને હલ યુનિવર્સિટીમાંથી જ્યોગ્રાફીમાં ડિગ્રી હાંસલ કરી હતી. 1979માં તેમણે સેન્ટ કેથેરાઇન કોલેજ, ઓક્સફર્ડ ખાતેથી ડિફિલની ઉપાધિ હાંસલ કરી હતી.

અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ તરત લંડન વીકએન્ડ ટેલિવિઝનમાં જોડાયા હતા. જ્યાં તેમણે જ્હોન બ્રિટ સાથે કામ કર્યું હતું. જ્હોન બ્રિટ પાછળથી બીબીસીના ડિરેક્ટર જનરલ બન્યાં હતાં. તેમણે જુનિપર ટીવી ખરીદનાર માઇકલ વિલ્સ સાથે પણ કામ કર્યું હતું.

1987માં સમીર શાહને બીબીસીના હેડ ઓફ ટીવી કરન્ટ અફેર્સ તરીકે નિયુક્ત કરાયા હતા. 1994થી 1998 સુધી તેમણે બીબીસીના પોલિટિકલ જર્નાલિઝમ પ્રોગ્રામના વડા તરીકે ફરજ બજાવી હતી. 1998માં માઇકલ વિલ્સની સાંસદ તરીકે નિયુક્તિ થતાં સમીર શાહે વિલ્સ પાસેથી જુનિપર ટીવી ખરીદી લીધું હતું. જુનિપરના વિવિધ કાર્યક્રમો બીબીસી, ચેનલ ફોર, નેશનલ જ્યોગ્રાફિક, ડિસ્કવરી અને નેટફ્લિક્સ પર પ્રસારિત થતાં રહ્યાં છે.

1999માં સમીર શાહને બ્રોડકાસ્ટિંગમાં સમાન તકો માટે કરેલી સેવાઓ માટે મોસ્ટ એક્સલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (ઓબીઇ) તરીકે નિયુક્ત કરાયા હતા. 2002માં તેઓ ફેલો ઓફ ધ રોયલ ટેલિવિઝન સોસાયટી તરીકે ચૂંટાઇ આવ્યા હતા અને 2019માં હેરિટેજ તથા ટીવી ક્ષેત્રમાં આપેલી સેવાઓ માટે સીબીઇની ઉપાધિ એનાયત કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter