ભારતીયોને આવકારવા બ્રિટન તત્પર

Saturday 08th January 2022 03:51 EST
 
 

લંડનઃ હજારો ભારતીયો માટે યુકેમાં રહેવા અને કામ કરવાનું સહેલું અને સરળ બનાવવા યુકે સરકાર ઈમિગ્રેશન નિયમો હળવાં બનાવવા વિચારી રહેલ છે. એશિયામાં ચીનના પ્રભુત્વને ખાળવા યુકે ભારત સાથે સંબંધો વધુ ગાઢ બનાવવા ઈચ્છતું હોવાથી આ વિશે સક્રિય વિચારણા થાય છે. યુકે-ઈન્ડિયા ૨૦૨૨ વેપારમંત્રણામાં ઈમિગ્રેશન અંકુશો મહત્ત્વનો મુદ્દો બની રહેશે. જોકે, ભારત માટે સરહદી અંકુશો હળવાં બનાવવાની શક્યતા બાબતે કેબિનેટમાં મતભેદ પ્રવર્તે છે.
યુકે સરકારના મિનિસ્ટર્સ ૨૦૨૨માં હજારો ભારતીય નાગરિકોને યુકેમાં રહેવા અને કામ કરવામાં મદદ મળે તે માટે ઈમિગ્રેશન નિયમો હળવાં બનાવવા વિચારી રહ્યા છે. આ મુદ્દો બે દેશો વચ્ચે આ મહિને નવી દિલ્હીમાં યોજાનારી વેપારમંત્રણામાં ચાવીરુપ બની રહેશે. એશિયા વિસ્તારમાં ચીનના વધતા પ્રભુત્વને ખાળની યોજનાના ભાગરુપે ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી એન-મેરી ટ્રેવેલીઆન દ્વારા ચોક્સ ઓફર કરાય તેવી શક્યતા છે. સરકારના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ પણ વેપારમંત્રણામાં ઉદાર વિઝા ઓફર જરૂરી બની રહે છે. મિસ ટ્રેવેલીઆનને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસનું સમર્થન છે પરંતુ, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ આની તરફેણમાં ન હોવાનું ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે.
એમ મનાય છે કે ભારતીય નાગરિકોને હાલ ઓસ્ટ્રેલિયન્સને અપાયેલા વિઝા ડીલનો લાભ અપાઈ શકે છે જેમાં, યુવાન વર્કર્સને ત્રણ વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને કામ કરવાનો અધિકાર મળી શકે. અન્ય વિકલ્પોમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા ફી ઘટાડવાનો તેમજ ગ્રેજ્યુએશન પછી તેમને કામચલાઉ રહેવા દેવાનો પણ સમાવેશ થાય છે. હાલ વર્ક અને ટુરિઝમ વિઝાની કોસ્ટ ૧૪૦૦ પાઉન્ડ છે જેને ઘટાડવાની લાલચ આપી શકાય તેમ સૂત્રો માને છે.
વડા પ્રધાન જ્હોન્સન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ વર્ચ્યુઅલ મીટિંગમાં ‘૨૦૩૦ રોડમેપ’ માટે સંમત થયા હતા જેનાથી સંબંધોમાં હરણફાળ થવાનું તેમણે જણાવ્યું હતું. જ્હોન્સન દ્વારા ગત મે મહિનામાં ૧ બિલિયન પાઉન્ડના ઈન્વેસ્ટમેન્ટ અને વેપાર સોદાની જાહેરાત કરાઈ હતી. હવે ભારત - યુકે વચ્ચે મુક્ત વેપાર એગ્રીમેન્ટ થાય તો બંને દેશના આર્થિક સંબંધો વધુ નક્કર બનશે. ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા મુજબ યુકેના બિઝનેસીસને ૪૪૬ મિલિયન પાઉન્ડથી વધુ કિંમતના એક્સપોર્ટ સોદાઓ મળ્યા હતા અને તેનાથી ૪૦૦થી વધુ નોકરીઓ પણ ઉભી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter