લંડન
ભારત ખાતેના બ્રિટિશ હાઇકમિશ્નર એલેક્સ એલિસે જણાવ્યું છે કે ભારતીયોને યુકેના વિઝા મેળવવામાં થતા વિલંબની સમસ્યાનો ટૂંકસમયમાં અંત આવી જશે. બ્રિટનની મુલાકાત લેવા ઇચ્છતા પ્રવાસીઓને 15 દિવસમાં ટુરિસ્ટ વિઝા જારી કરી દેવાશે.
તેમણે જણાવ્યું હતું કે બે મહિના પહેલાં મેં જણાયું હતું કે, વર્ષના અંત સુધીમાં અમે યુકેના ટુરિસ્ટ વિઝા જારી કરવાનો સમયગાળો 15 દિવસ સુધી લઇ આવીશું. દિલ્હી અને અમારા સમગ્ર વિઝા નેટવર્કમાં કામ કરતી અમારી ટીમે આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.
સોશિયલ મીડિયા ટ્વિટર પર આ અંગેની માહિતી આપતાં હાઇકમિશ્નર એલેક્સ એલિસે યુકેના વિઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ સહિતના તમામ અરજદારોને અરજી કરતી વખતે સાચી માહિતી આપવાની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2023થી શરૂ થઇ રહેલા શૈક્ષણિક સત્ર માટે અમે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે. સ્ટુડન્ટ વિઝાની માગ વધુ હોવાથી જેટલી બની શકે તેટલી ઝડપથી વિઝા માટે અરજી કરો. ટુરિસ્ટ વિઝા જારી કરવાના સમયમાં ઘટાડો થયો હોવાથી હવે ભારતીય નાગરિકોને બ્રિટનની મુલાકાત લેવામાં સરળતા રહેશે. તાત્કાલિક વિઝા માટે અરજદારોએ પ્રાયોરિટી વિઝા ચેનલનો ઉપયોગ કરવો જોઇએ. આ ચેનલ દ્વારા ફક્ત પાંચ દિવસમાં વિઝા જારી કરાય છે.


