લંડનઃ યુકે અને આયર્લેન્ડ વચ્ચે વિઝા સમજૂતીનો સૌપ્રથમ લાભ ભારતીય નાગરિકોને મળવાનો છે. નવી સિંગલ બ્રિટિશ-આઈરિશ વિઝા યોજના અન્વયે બ્રિટિશ કે આઈરિશ વિઝિટર વિઝા માટે અરજી કરનારા ભારતીય નાગરિકો એક જ પ્રવાસમાં બન્ને દેશની મુલાકાત લઈ શકશે. સમગ્ર ભારતમાં યુકેના ૧૨ વિઝા અરજીકેન્દ્રોમાં આયર્લેન્ડ પણ સહભાગી થશે અને અરજદારોએ આ સહભાગી વિઝા કેન્દ્રોમાં પોતાની અરજી રજૂ કરી બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આ યોજનાનો સત્તાવાર અમલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૫થી શરુ કરાયો છે. સિંગલ બ્રિટિશ-આઈરિશ વિઝા સ્કીમ હેઠળ અરજદારોએ જેના દ્વારા વિઝા પ્રથમ મંજૂર કરાય તે દેશની મુલાકાત પ્રથમ લેવાની રહેશે અને તે પછી બીજા દેશનો પ્રવાસ શક્ય બનશે. જોકે, યુકે થઈને આયર્લેન્ડ જનારા મુલાકાતીઓને અલગ ટ્રાન્ઝીટ વિઝાની જરુર રહેશે નહિ. વધુ માહિતી Gov UK વેબસાઈટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત, તમારા વિઝા સંબંધિત તમામ પ્રશ્નોના નિઃશુલ્ક સમાધાન માટે migreat.com નો સંપર્ક પણ કરી શકો છો, જ્યાં નિષ્ણાત ઈમિગ્રેશન સલાહકારો પાસેથી તમારા પ્રશ્નનો ઉત્તર મળશે.