ભારતે 36ને બદલે 32 રાફેલ હોવાનો દાવો કરતા બ્રિટિશ રિપોર્ટને ફગાવ્યો

ફ્લાઇટગ્લોબલના આંકડા સંદતર ખોટા, પોતાના સ્ત્રોત ચકાશેઃ નિવૃત્ત એરમાર્શલ નર્મદેશ્વર તિવારી

Tuesday 24th November 2026 08:49 EST
 
 

લંડનઃ ભારતીય વાયુસેનાના કાફલામાં ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા 36 રાફેલ યુદ્ધવિમાનને સ્થાને માત્ર 32 વિમાન જ હોવાનો દાવો કરતા બ્રિટિશ એવિએશન મેગેઝિનના વિવાદાસ્પદ રિપોર્ટને ભારતના  પૂર્વ વાયુસેના ઉપપ્રમુખે સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. કારગિલ યુદ્ધ અને ગયા વર્ષે મે મહિનામાં હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં સક્રિય ભૂમિકા ભજવનાર એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ફ્લાઇટગ્લોબલના આંકડાઓને સદંતર ખોટા ગણાવ્યા છે.

ફ્લાઇટગ્લોબલના તાજેતરના વર્લ્ડ એર ફોર્સિસ ડિરેક્ટરી રિપોર્ટમાં ભારતીય વાયુસેના પાસેના રાફેલ જેટની સંખ્યા ઓછી દર્શાવવા પાછળ કોઈ સ્પષ્ટતા કે પુરાવા આપવામાં આવ્યા નથી. અગાઉ ગયા વર્ષે ઓપરેશન સિંદૂરના મહિનાઓ બાદ પ્રકાશિત થયેલા રિપોર્ટમાં પણ ફ્લાઇટગ્લોબલે વાસ્તવિક સંખ્યા કરતાં એક વિમાન ઓછું, એટલે કે 35 સક્રિય રાફેલ દર્શાવ્યા હતા.

નિવૃત્ત એર માર્શલ તિવારીએ આ એવિએશન મેગેઝિનના સ્ત્રોતોની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તિવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, ફ્લાઇટગ્લોબલે તેમના સ્ત્રોતોનું પુનઃમૂલ્યાંકન કરવું જોઈએ. આ જ સ્ત્રોતોએ ચોક્કસ ટેલ નંબરો આપ્યા હતા, જે વિમાનો ત્યારથી આંતરરાષ્ટ્રીય કવાયતો સહિત વિવિધ અભ્યાસોમાં ઉડાન ભરી રહ્યા છે. આ જ સ્ત્રોતોએ એવો પણ દાવો કર્યો હતો કે સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહને યુદ્ધકેદી તરીકે પકડી લેવામાં આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે તે હકીકત શું નીકળી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter