ભારતે OCI કાર્ડ ફરી ઈસ્યુ કરવાની સમયમર્યાદા એક વર્ષ સુધી લંબાવી

Tuesday 11th January 2022 16:37 EST
 
 

લંડનઃ ભારતે ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડને ફરીથી ઈસ્યુ કરવાની સમયમર્યાદા એક વર્ષ એટલે કે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી લંબાવી છે. આ ઉપરાંત, ૨૦ વર્ષની વય સુધી વિદેશીઓને દર વખતે નવા પાસપોર્ટ જારી કરવાની તેમજ ૫૦ વર્ષની વય પછી એક વખત નવા પાસપોર્ટ જારી કરવાની ફરજિયાત જોગવાઈ પણ OCI કાર્ડને પુનઃ ઈસ્યુ કરવાના સંદર્ભે રદ કરી છે.

લંડનસ્થિત ભારતીય હાઈ કમિશને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ શુક્રવારના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ૧૯ એપ્રિલ ૨૦૨૧ના પ્રેસ રીલીઝના અનુસંધાને ૨૦ વર્ષ પૂર્ણ કર્યા પછી નવો પાસપોર્ટ ઈસ્યુ કરાવાની સાથે તેમના OCI કાર્ડ ફરીથી ઈસ્યુ કરાવવાના થતા હોય તેવા તમામ OCI કાર્ડધારકો માટે આમ કરવાની સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી લંબાવાઈ છે. આવા કાર્ડધારકોને જૂના પાસપોર્ટ નંબર અને નવા પાસપોર્ટ ધરાવતા વર્તમાન OCI કાર્ડ્સ પર પ્રવાસ કરવાની પરવાનગી અપાશે.’

આ સ્ટેટમેન્ટ અનુસાર OCI કાર્ડધારકને ૨૦ વર્ષની વય પૂર્ણ થયા પછી નવો પાસપોર્ટ આપવામાં આવે ત્યારે માત્ર એક વખત OCI કાર્ડ રી-ઈસ્યુ કરાવવાની જરૂર રહેશે. OCI કાર્ડની સાથે જૂના પાસપોર્ટ્સ સાથે રાખવાની જરૂરિયાત પણ રદ કરવામાં આવી છે.

OCI કાર્ડધારકો એવા લોકો છે જેમણે પોતાની ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો હોય, તેમના પાસપોર્ટ જમા કરાવી દીધા હોય, તેઓ જ્યાં વસતા હોય તે દેશની નાગરિકતા મેળવી લીધી હોય પરંતુ, ભારતમાં ચોક્કસ વિશેષાધિકારો ઈચ્છતા હોય છે. તેઓ ભારતના પૂર્વ નાગરિક હોવાના ધોરણે OCI કાર્ડ માટે વિનંતી અને અરજી કરી શકે છે.

OCI ભારતીય મૂળના લોકો અને તેમના જીવનસાથીને પ્રાપ્ત કાયમી રેસિડેન્સીનો એક પ્રકાર છે જેના આધારે તેઓ ભારતમાં અચોક્કસ મુદત સુધી રહી અને કામ કરી શકે છે.

ભારતીય રીઝર્વ બેન્કની સ્પષ્ટતા અનુસાર OCI કાર્ડધારકને ભારતમાં સ્થાવર મિલકતો હસ્તગત કરવા કે ટ્રાન્સફર કરવા તેની મંજૂરીની જરૂર નથી. OCI કાર્ડધારક ભારતમાં ખેતીની જમીન, ફાર્મ હાઉસ અથવા પ્લાન્ટેશન પ્રોપર્ટી ખરીદી શકતા નથી. આ બાબતે તેઓ બિનનિવાસી ભારતી (NRI)ની સમકક્ષ છે. હાલ NRIs/OCIsને મિલકતોની ખરીદી બાબતે FEMA૧૯૯૯ની જોગવાઈઓ લાગુ પડે છે.

સરકારે માર્ચ મહિનામાં દેશમાં OCI કાર્ડધારકોના વિશેષાધિકારોને સ્પષ્ટ કરતો પરિપત્ર જારી કર્યો હતો જે મુજબ ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયાએ ભારતમાં મિશનરી, જર્નાલિસ્ટિક સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા રક્ષિત, નિયંત્રિત અથવા પ્રતિબંધિત જાહેર કરાયેલા વિસ્તારોની મુલાકાત લેવા વિશેષ પરમિટ્સ મેળવવી આવશ્યક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter