લંડનઃ હાઇકમિશન દ્વારા આયોજિત શોકસભામાં સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, યુકેની તમામ રાજકીય પાર્ટીઓએ એકજૂથ થઇ ભારતને સમર્થન આપવું જોઇએ. એલઓસીની પેલે પાર અસ્તિત્વ ધરાવતા આતંકવાદી કેમ્પોનો વિનાશ કરવા જરૂરી લશ્કરી સહિતના જે કોઇ પગલાં ભારત ભરે તેને આપણે સમર્થન આપવું જોઇએ.
બ્લેકમેને જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલો માનવતાના હાર્દ પર હુમો છે. આ હુમલો ધાર્મિક નફરતનો પુરાવો આપે છે જે ક્યારેય સાંખી લેવાય નહીં. આ પ્રકારના હુમલા શાંતિનો ભંગ કરે છે. આપણે આ પ્રકારના જધન્ય કૃત્યોને પરવાનગી આપી શકીએ નહીં. જો આતંકવાદીઓને ન્યાયના કઠેડામાં લાવી ન શકાતા હોય તો તેમનો નાશ કરી નાખવો જોઇએ.
કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને ગુરુવારે હાઉસ ઓફ કોમન્સમાં પહલગામ હુમલાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીને આ મામલા પર સંસદીય નિવેદન આપવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મંગળવારે ભારતના પહલગામ ખાતે હિન્દુ પર્યટકોની સુનિયોજિત હત્યા કરવામાં આવી. આ હુમલા પાછળ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા જવાબદાર હોવાનું મનાય છે જે જમ્મુ – કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યું છે. આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ સામે કાર્યવાહી થાય અને હુમલા પાછળ રહેલા તત્વોને સજા થાય તે માટે આપણે ભારત સરકારને સમર્થન આપવું જોઇએ.