ભારતે યુકે સાથે વેપાર કરાર પર મંત્રણા સ્થગિત કરી દીધી?

ખાલિસ્તાની અલગતાવાદીઓ સામે કડક પગલાં લેવા યુકે પર ભારતનું ઉગ્ર દબાણ

Tuesday 11th April 2023 13:46 EDT
 
 

લંડન

લંડનમાં ગયા મહિને ભારતીય હાઇકમિશન પર ખાલિસ્તાની અલગતાવાદીઓના હુમલાના મુદ્દે ભારતે યુકે સાથેના મુક્ત વેપાર કરાર પરની મંત્રણા સ્થગિત કરી દીધી છે. બ્રિટિશ સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારનો આરોપ છે કે બ્રિટિશ સરકાર ભારતના ડિપ્લોમેટિક મિશનોને પુરતી સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. જોકે બે સપ્તાહ પહેલાં ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, યુકે સાથેના મુક્ત વેપાર કરાર પરની મંત્રણા આયોજન મુજબ જ આગળ વધી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લંડનમાં ભારતીય હાઇ કમિશન પર ખાલિસ્તાન સમર્થકોના હુમલા બાદ ભારતીયો હવે વેપાર કરાર પર વાત કરવા ઇચ્છતા નથી. ભારતનો આરોપ છે કે સુરક્ષાના સંપુર્ણ અભાવના કારણે ખાલિસ્તાની અલગતાવાદીઓ આટલી હદ સુધી ભારતના હાઇકમિશન પર હુમલો કરવામાં સફળ રહ્યાં હતાં.

બ્રિટિશ રાજનેતાઓએ આ પ્રકારના હુમલાને વખોડી કાઢ્યો છે અને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સુનાક સરકારને અપીલ પણ કરી છે પરંતુ ભારત સરકાર શિખ અલગતાવાદીઓ સામે કડક હાથે કામ લેવા બ્રિટિશ સરકાર પર દબાણ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર યુકેનું ગૃહમંત્રાલય દેશમાં સક્રિય ખાલિસ્તાની નેતાઓ અને સંગઠનો પર કાર્યવાહીની તૈયારી કરી રહી છે જેથી ભારત અને યુકે વચ્ચે વેપાર કરાર પર ફરી એકવાર મંત્રણા શરૂ થઇ શકે.

વેપાર મંત્રણા સ્થગિત કરી હોવાનો ભારતનો ઇનકાર

ભારતના વિદેશ મંત્રાલયે બ્રિટિશ અખબાર ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને નકારી કાઢ્યો છે. ટાઇમ્સે સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, ભારતીય હાઇ કમિશન પર ખાલિસ્તાની અલગતાવાદીઓના હુમલા બાદ ભારતે યુકે સાથે વેપાર મંત્રણા સ્થગિત કરી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter