ભારુલતા કાંબલેએ યુકેથી ભારતના એકલ કારપ્રવાસમાં વિક્રમોની વણઝાર રચી

Tuesday 22nd November 2016 13:19 EST
 
 

લંડનઃ ભારતીય મૂળના ૪૩ વર્ષીય મહિલા શ્રીમતી ભારુલતા કાંબલે યુકેથી ભારત સુધી એકલા કાર ડ્રાઈવિંગનો ગિનેસ વિશ્વવિક્રમ રચી નવી દિલ્હી આવી પહોંચ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ગુજરાતના નવસારી જિલ્લામાં જન્મેલા ભારુલતા કાંબલેએ આર્ક્ટિક સર્કલ, ૩૨ દેશ, ૯ પર્વતમાળા, ૩ મુખ્ય રણપ્રદેશ અને ૯ ટાઈમ ઝોનમાં કુલ ૩૨,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ એકલા ખેડવાનું સાહસ કર્યું છે. આ સમગ્ર સાહસ દરમિયાન તેમણે ‘બેટી બચાવો’ અને ‘બેટી ભણાવો’ના સંદેશા ઉપરાંત, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહનનો પ્રચાર કર્યો હતો.

નવી દિલ્હી આવી પહોંચેલાં ભારુલતાનું વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર અક્ષરધામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીસ્થિત મહારાષ્ટ્ર ઈન્ફોર્મેશન સેન્ટર દ્વારા મહારાષ્ટ્ર સરકાર વતી ભારુલતાનું સન્માન કરવામાં આવ્યું હતું.

ધારાશાસ્ત્રી અને બ્રિટિશ સરકારના પૂર્વ સિવિલ સર્વન્ટ ભારુલતાએ મહારાષ્ટ્રિયન મૂળના યુરોલોજિસ્ટ એને રોબોટિક સર્જન સુબોધ કાંબલે સાથે લગ્ન કર્યાં છે અને બે બાળકો ધરાવે છે. તેમણે યુકેથી ભારત સુધીના એકલવાયા કારપ્રવાસનો આરંભ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે કર્યો હતો અને આર્ક્ટિક સર્કલમાં સોલો કાર ડ્રાઈવિંગ સાહસ પૂર્ણ કરનારી વિશ્વમાં પ્રથમ મહિલા તરીકેનો પ્રથમ રેકોર્ડ ૨૮ સપ્ટેમ્બરે રચ્યો હતો. તેમના આ સાહસમાં કોઈ બેકઅપ ટીમ, ક્રુ અથવા બેકઅપ વાહન પણ ન હતું. આર્ક્ટિક સર્કલમાં ૨૭૯૨ કિલોમીટર વાહન ચલાવી આટલા લાંબા અંતર સુધી ડ્રાઈવ કરનારી પ્રથમ મહિલા બન્યા છે.

ભારત પહોંચવા સાથે ભારુલતા ૩૨ દેશોમાં થઈ ૩૨,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી એકલાં જ ટ્રાન્સકોન્ટિનેન્ટલ અને આર્ક્ટિક સર્કલ કાર ડ્રાઈવિંગ કરનારા વિશ્વમાં પ્રથમ મહિલા તરીકેનું બિરુદ હાંસલ કર્યું છે. તેઓ માત્ર ૫૭ દિવસમાં સૌથી વધુ દેશનો કારપ્રવાસ કરનારા મહિલા પણ બન્યાં છે. તેઓ ૩૨,૦૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપી આઠ નવેમ્બર ૨૦૧૬ના દિવસે ભારતના મણિપુર રાજ્યની મોરેહ ચેક પોસ્ટ પહોંચ્યાં હતાં.

તેમણે બે ખંડ, નવ પર્વતમાળા અને ત્રણ મુખ્ય રણપ્રદેશમાં કારપ્રવાસ કર્યો હતો, જેમાં સમુદ્રની સપાટીથી ૩,૭૦૦-૪,૦૦૦ કિ.મી.ની ઊંચાઈએ ૫,૫૦૦ કિ.મી માઊન્ટેન ડ્રાઈવિંગનો અને ૨,૫૦૦ કિ.મીનો રણપ્રદેશમાં ડ્રાઈવિંગનો સમાવેશ થાય છે. વર્લ્ડ રેકોર્ડ સત્તાવાળાઓ દ્વારા એ વિક્રમોની વણઝારની નોંધ લેવાશે. તેમણે પર્વતાળ પ્રદેશમાં દિવસના સરેરાશ ૪૦૦ કિલોમીટર અને સામાન્ય દિવસે ૭૦૦ કિલોમીટર અંતર કાપ્યું હતું. તેમણે દિલ્હી જવા માટે પટણાથી ૧,૧૦૦ કિલોમીટરનું અંતર નોન-સ્ટોપ કાપ્યું હતું. તેમણે ઘણી વખત દિવસમાં ૨૦-૨૨ કલાક ડ્રાઈવિંગ ઉપરાંત ૧,૫૦૦ કિલોમીટર અંતર પણ કાપ્યું હતું.

એ બાબત ઉલ્લેખનીય છે કે તેઓ આ સાહસમાં યુકેના તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરન, હાઉસ ઓફ લોર્ડ્સના અનેક ઉમરાવ, હાઉસ ઓફ કોમન્સના સાંસદો, ઘણી બ્રિટિશ-એશિયન સંસ્થાઓ, ધાર્મિક અગ્રણીઓ અને સામાન્ય જનતાનું સમર્થન મેળવી શક્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter