ભારે વિવાદના અંતે અક્ષતા મૂર્તિ હવે યુકેનો ટેક્સ પણ ચૂકવશે

Wednesday 13th April 2022 02:25 EDT
 
 

લંડનઃ ચાન્સેલર સુનાકના પત્ની અક્ષતાએ તેમના નોન-ડોમ સ્ટેટસ અને યુકેનો ટેક્સ નહિ ચૂકવવા બાબતે જાગેલા વિવાદ પછી નમતું જોખતાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ગત ટેક્સ વર્ષ માટે અને ભવિષ્યની વિશ્વવ્યાપી આવકો પર યુકેનો ટેક્સ ચૂકવશે. તેમણે કહ્યું હતું કે ઘણાને એમ લાગ્યું છે કે તેમની ટેક્સ વ્યવસ્થા તેમના પતિની ચાન્સેલર તરીકેની કામગીરી સાથે સુસંગત નથી. દરમિયાન, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને અક્ષતા મૂર્તિના નોન-ડોમ સ્ટેટસ વિશે પોતાને કોઈ જાણકારી નહિ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

ચાન્સેલર સુનાકની પોઝીશન પર ખતરો મંડરાયો છે ત્યારે પત્ની અક્ષતાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાછલી આવકો માટે નહિ પરંતુ, ગત ટેક્સ વર્ષ માટે અને ભવિષ્યની વિશ્વવ્યાપી આવકો પર યુકેના ટેક્સની ચૂકવણી કરશે. તેમને અગાઉના વર્ષોની વિદેશી આવક પર યુકેના ટેક્સમાં 20 મિલિયન પાઉન્ડની બચત થઈ હોવાનું મનાય છે. જોકે, તેમની આ સ્પષ્ટતા પછી પણ સુનાક અને મૂર્તિની ટેક્સ આને ફાઈનાન્સિયલ બાબતોની ચકાસણી યથાવત જ રહેશે. સુનાકે પારદર્શકતા નહિ દર્શાવીને મિનિસ્ટરિયલ આચારસંહિતાનો ભંગ કર્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરવા લેબર પાર્ટી અને લિબ ડેમ પાર્ટીએ માગણી કરી છે.

અક્ષતા મૂર્તિ યુએસ ગ્રીન કાર્ડ હોલ્ડર હોવાનું પણ બહાર આવ્યું છે. આનાથી, પત્નીના નોન-ડોમ સ્ટેટસ મુદ્દે સુનાકે કરેલા બચાવ સામે પણ પ્રશ્ન થયો છે.

તમામ આવક પર યુકે ટેક્સ ભરવાની ખાતરી આપવા સાથે પણ મૂર્તિ તેમનું નોન-ડોમ સ્ટેટસ જાળવી રાખશે જેનાથી તેમનો પરિવાર ભવિષ્યમાં 275 મિલિયન પાઉન્ડથી વધુનું ઈન્હેરિટન્સ ટેક્સ બિલ કાયદેસર બચાવી શકશે. મૂર્તિએ નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનું નોન-ડોમ સ્ટેટસ પતિ માટે મુશ્કેલી સર્જે તેમ તેઓ ઈચ્છતાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter