ભારે હૃદયે ક્વીનના લાંબા જીવન અને સમર્પિત સેવાઓને યાદ કરીએ છીએઃ કિંગ ચાર્લ્સ

મારા અને મારા પત્ની કેમિલા પ્રત્યે પ્રદર્શિત કરેલા પ્રેમ અને સમર્થન માટે હૃદયના ઊંડાણથી આભારી છીએઃ કિંગ ચાર્લ્સ

Tuesday 12th September 2023 12:18 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કિંગ ચાર્લ્સ તૃતીયે એક રેકોર્ડેડ સંદેશો અને ક્વીનને સૌથી વધુ પસંદ એવી તસવીર જારી કર્યાં હતાં. પોતાના સંદેશમાં કિંગ ચાર્લ્સે તેમની માતાની સમર્પિત સેવાઓને યાદ કરવાની સાથે 1968માં ક્વીન 42 વર્ષના હતા ત્યારે તૈયાર કરાયેલા પોટ્રેટની તસવીર જારી કરી હતી. ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ સ્કોટલેન્ડ સ્થિત બાલમોરલ કેસલ ખાતે નિધન થયું હતું.

ક્વીન એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપતાં કિંગ ચાર્લ્સે તેમના પ્રત્યેના પ્રેમ અને સમર્થન માટે દેશનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ મહારાણીના નિધન અને રાજા તરીકે મારી વરણીના પ્રથમ વર્ષે અમે ભારે હૃદયે તેમના લાંબા જીવન, સમર્પિત સેવાઓને યાદ કરીએ છીએ. પાછલા એક વર્ષમાં તમે મારા અને મારા પત્ની પ્રત્યે પ્રદર્શિત કરેલા પ્રેમ અને સમર્થન માટે હૃદયના ઊંડાણથી આભારી છીએ. અમે તમારી સેવા માટે સદા તત્પર છીએ.

કિંગ ચાર્લ્સે આ પ્રસંગે તેમની માતાની અગાઉ ક્યારેય પ્રસિદ્ધ નહી કરાયેલી તસવીર જારી કરી હતી. આ તસવીર 16 ઓક્ટોબર 1968ના રોજ સેસિલ બીટન દ્વારા લેવામાં આવી હતી.

કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટે અલગ અલગ ચર્ચમાં પ્રાર્થનાસભામાં પરિવારના સભ્યો સાથે ક્વીનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ બાલમોરલ નજીકના ક્રેથી કિર્ક ચર્ચ ખાતે જ્યારે પ્રિન્સ વિલિયમ અને કેટ વિલિયમ્સે પેમબ્રોકશાયરમાં સેન્ટ ડેવિડ્સ ચર્ચ ખાતે પ્રાર્થનાસભામાં ભાગ લીધો હતો.

ક્વીનના નિધન પછી જ તેમની મહાન સેવાઓની અનુભૂતિ થઇ રહી છેઃ વડાપ્રધાન સુનાક

ક્વીનને શ્રદ્ધાંજલિ પાઠવતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ક્વીનના નિધનના એક વર્ષ બાદ તેમની મહાન સેવાઓની અનુભૂતિ થઇ રહી છે. યુનાઇટેડ કિંગડમ અને કોમનવેલ્થ દેશો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની ખોટ સાલી રહી છે. ફરજપરાયણ અસામાન્ય જીવન અને પ્રતિબદ્ધતા પ્રત્યેનો આપણો અહોભાવ સતત વધતો જ રહ્યો છે. સ્વર્ગસ્થ ક્વીન સાથેની મુલાકાતની સ્મૃતિઓ મેં સંગ્રહી રાખી છે. હું તેમના જ્ઞાન, અદ્દભૂત સંવેદનશીલતા અને કૃપા તેમજ વિચક્ષણતાથી ઘેરાઇ ગયો હતો. સમગ્ર યુકેની જનતા આજે ક્વીન તેમના માટે શું હતાં તેનું પ્રતિબિંબ પાડી રહી છે. તેમણે આપણા માટે અદ્દભૂત ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

પ્રિન્સ હેરીએ વિન્ડસર કેસલ ખાતે ક્વીનને શ્રદ્ધાંજલિ અર્પી

રાજવી પરિવાર સાથે છેડો ફાડીને અમેરિકામાં સ્થાયી થયેલા પ્રિન્સ હેરીએ શુક્રવારે વિન્ડસર કેસલમાં આવેલા સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે તેમના દાદી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. જોકે તેમના પત્ની મેઘન મર્કેલ અમેરિકામાં જ રહ્યાં હતાં. ગુરુવારે પ્રિન્સ હેરીએ ગંભીર રીતે બીમાર બાળકો માટે કામ કરતી ચેરિટીના વેલચાઇલ્ડ એન્યુઅલ એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી.

ક્વીનની પ્રથમ પુણ્યતિથિએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 18.5 મિલિયન પાઉન્ડનો સિક્કો જારી કર્યો

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના સન્માનમાં 6000 કરતાં વધુ હીરાથી જડિત અને બાસ્કેટ બોલ જેટલું કદ ધરાવતા સિક્કાનું અનાવરણ કરાયું હતું. સ્વર્ગસ્થ રાજવીના વારસાને યાદ કરતાં મેફેર સ્થિત ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા તૈયાર કરાયેલા આ સિક્કાને ધ ક્રાઉન કોઇન નામ અપાયું છે. આ સિક્કાને તૈયાર કરવામાં 1 કિલોગ્રામ સોનુ, 10 24 કેરેટના સોનાના સિક્કા અને 6426 જીઆઇએ દ્વારા પ્રમાણિત હીરાનો ઉપયોગ કરાયો છે. આ સિક્કાની કિંમત 18.5 મિલિયન પાઉન્ડ અંદાજવામાં આવી છે. કંપની દ્વારા સોશિયલ મીડિયા પર આ સિક્કાની જાહેરાત કરાઇ હતી જેમાં ક્વીનના પાંચ સત્તાવાર પોટ્રેટ પણ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter