લંડનઃ લેસ્ટરશાયરના પાર્કમાં 80 વર્ષીય બ્રિટિશ ભારતીય ભીમ કોહલીની હત્યા માટે દોષી ઠરેલા 15 વર્ષીય સગીરને અપાયેલી સજાની સમીક્ષા કરાશે કારણ કે તેને કરાયેલી સજા ઘણી હળવી હોવાના આરોપ મૂકાયા હતા. સગીરને 7 વર્ષ જેલની સજા ફટકારાઇ હતી. કોર્ટ ઓફ અપીલ દ્વારા આ સમીક્ષા કરાશે.
એટર્ની જનરલ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભીમ કોહલી પર હુમલા અને હત્યાની ઘટનાથી સોલિસિટર જનરલ લ્યૂસી રિગ્બી ઘણા વ્યથિત થયાં હતાં. તેમણે આ કેસની ઉંડાણપુર્વક સમીક્ષા કરી છે અને કોર્ટ ઓફ અપીલને સોંપવાનો નિર્ણય કર્યો છે. હવે કોર્ટ ઓફ અપીલ અપરાધીની સજામાં વધારો કરવો કે નહીં તે અંગેનો નિર્ણય લેશે.
આ હત્યામાં એક 13 વર્ષીય કિશોરી પણ સામેલ હતી. તેને 3 વર્ષ યૂથ રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવાનો આદેશ અપાયો હતો. તેના કિસ્સામાં જોગવાઇઓ મેળ ન ખાતી હોવાના કારણે તેનો કેસ કોર્ટ ઓફ અપીલને સોંપાશે નહીં.