લંડનઃ લેસ્ટર નજીકના બ્રાઉનસ્ટોન ટાઉનના ફ્રેન્કલિન પાર્કમાં 1 સપ્ટેમ્બર 2024ના રોજ 80 વર્ષીય ભીમ કોહલીની હત્યાના કેસમાં 15 વર્ષીય કિશોરને 7 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે જ્યારે 13 વર્ષીય કિશોરી કસ્ટોડિયલ સજામાંથી બચી ગઇ છે. ભીમ કોહલીના પરિવારે જણાવ્યું હતું કે, અમને અમારા સ્વજનની હત્યા કરનારા આ બાળકો પ્રત્યે કોઇ સહાનુભૂતિ નથી.
ભીમ કોહલી તેમના શ્વાન રોકી સાથે લોકલ પાર્કમાં ફરી રહ્યાં હતાં ત્યારે આ સગીરો દ્વારા તેમના પર હુમલો કરાયો હતો. જેના કારણે તેમની ગરદન તૂટી ગઇ હતી અને છાતીમાં પણ ગંભીર ઇજાઓ થઇ હતી. બીજા દિવસે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ભીમ કોહલીના દીકરી સુસાન કોહલીએ જણાવ્યું હતું કે, મારા પિતાના હત્યારાઓને માફી આપવી અઘરું કામ છે. શા માટે તેમના પર દયા દર્શાવવી જોઇએ. તેમણે એક નિઃસહાય વૃદ્ધ પર હુમલો કર્યો હતો. મને તેમના માટે સહાનુભૂતિ કેવી રીતે હોઇ શકે.
લેસ્ટર ક્રાઉન કોર્ટમાં હાઇકોર્ટ જજ દ્વારા 15 વર્ષીય કિશોરને 7 વર્ષ જેલની સજા કરાઇ હતી જ્યારે 13 વર્ષીય કિશોરીને 3 વર્ષ યૂથ રિહેબિલિટેશનમાં રાખવાનો આદેશ અપાય હતો. સજા પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં સુસાન કોહલીએ જણાવ્યું હતું કે, અપરાધની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સજા કરાઇ નથી તેથી મને ઘણી હતાશા થઇ છે.