લંડનઃ લેસ્ટરમાં એક પાર્ક ખાતે 80 વર્ષીય બ્રિટિશ ભારતીય ભીમ કોહલી પર રેસિસ્ટ હુમલો કરી હત્યાના કેસમાં 15 વર્ષીય સગીર અને 13 વર્ષીય સગીરાને લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા દોષી ઠેરવાયાં છે. સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, સગીરે ભીમ કોહલી વિરુદ્ધ વંશીય ટિપ્પણીઓ કરી ચહેરા પર તમાચો માર્યો હતો. ત્યારબાદ સ્લાઇડ શૂ સાથે લાત મારી હતી. તે સમયે સગીરા હિંસાને પ્રોત્સાહન આપતી હોય તેમ વીડિયો બનાવીને હસી રહી હતી. ગંભીર ઇજાના કારણે ભીમ કોહલીનું મોત થયું હતું. 1 સપ્ટેમ્બર 2024ના રોજ કોહલી તેમના શ્વાન સાથે ઘરથી થોડે દૂર ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
કોર્ટની બહાર કોહલીની દીકરીએ જણાવ્યું હતું કે, સગીરો પ્રત્યે અમારા પરિવારમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. તેમણે અમારી પાસેથી અમારા પિતા છીનવી લીધાં છે.
સગીર પર હત્યા અને નરસંહારના આરોપ મૂકાયા હતા પરંતુ સગીરાને ગંભીર અપરાધમાંથી મુક્ત કરાઇ હતી. આરોપીઓ સગીર હોવાથી તેમના નામ જાહેર કરાયા નથી. બંનેને 19 અને 20 મેના રોજ સજાની સુનાવણી કરાશે.